વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના કારણે ખેડૂતોને આર્થિક ફટકો
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે અનેક ખેતરો સરોવરમાં ફેરવાયા
થામથી મહુધલા ગામના ખેતરોમાં ભરાયા વરસાદી પાણી
વરસાદી પાણીની જમાવટથી ખેતી-પાકને થયું મોટું નુકશાન
પાણીનો કાયમી નિકાલ સહિત વળતર અંગે ખેડૂતોની માંગ
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેનના કારણે ભરૂચ તાલુકાના થામ ગામથી મહુધલા ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાવાથી ધરતીપુત્રોને આર્થિક નુકશાનીનો માર પડ્યો છે. જેમાં વળતર તેમજ પાણીના કાયમી નિકાલની માંગ સાથે ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચના થામ ગામ સહિત અન્ય ગામમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પસાર થનાર છે. જેની કામગીરીના ભાગરૂપે પિલરો ઉભા કરવા સાથે ખેતરો પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાહનોની અવરજવર માટે કાચા રોડ બનાવાયા છે. જે ઊંચા હોવાથી ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. હાલમાં વરસેલા સાડા સાત ઇંચ વરસાદથી થામ ગામના ખેતરો સરોવર બની ગયા છે.
ખેડૂતોના મોંઘા બિયારણ અને મહેનત બાદ ઉગેલો પાક પાણીમાં ગરકાવ થઈ જતાં મોટું નુકશાન થયું છે. થામ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનોએ આ અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ સહિત જિલ્લા કલેકટર અને અન્ય સ્તરે પણ રજૂઆત કરી છે. પરંતુ તેઓને બુલેટ ટ્રેનના અધિકારીઓ દ્વારા અન્ય સ્થળ પર પાણીનો નિકાલ કર્યો હોવાના ફોટા બતાવી કામગીરી થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
થામ ગામના ધરતીપુત્રોના માથે આકાશી આફતની સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી વરસાદી પાણીનો નિકાલ અવરોધાતા આર્થિક નુકશાનીનો માર પડ્યો છે. સરોવર બની ગયેલા ખેતરો જોઈ ધરતીપુત્રો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આવકારી રહ્યા છે, પણ ચિંતા સાથે વળતર અને પાણીના કાયમી નિકાલ માટેની ખેડૂતો માંગ કરી રહ્યા છે.