New Update
હાંસોટના ખરચ ગામ નજીક આવેલો છે આશ્રમ
દત્તાશ્રય આશ્રમમાં અનોખું ધર્મ કાર્ય
શુક્લ યજુર્વેદનું ઘનપાઠ પારાયણ
રોજના 100 શ્રી ફળ હોમવામાં આવે છે
25 ભૂદેવોના દિવ્ય મંત્રોચ્ચાર
ભરૂચના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં 25 વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 5 કુંડમાં શુક્લ યજુર્વેદનું ઘન પાઠ પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યું છે.આ કાર્યમાં રોજના 100 શ્રી ફળ હોમવામાં આવે છે.સાથે જ ઘીની રોજની સવા લાખ આહુતિ આપવામાં આવી રહી છે.
ભરૂચના હાંસોટના ખરચ ગામે દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે જે અંતર્ગત સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન
શિવ રુદ્રાભિષેક સાથે પંચ કુંડમાં રોજના શ્રીફળ હોમીને આહુતિ આપવામાં આવી રહી છે. આ રીતે રીતે મહિનાના કુલ ત્રણ હજાર શ્રીફળ યજ્ઞકુંડમાં હોમશે.આ સાથે દરરોજ ગાયના શુદ્ધ ઘીની સવા લાખ આહુતિ પણ આપવામાં આવી રહી છે. દેશમાં સૌ પ્રથમ વખત શુક્લ યજુર્વેદાંતર્ગત માધ્યંદિન શાખાયા: પંચસંધિ માલાયુક્ત ઘન પાઠ પારાયણનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ૨૫ વૈદિક બ્રાહ્મણો દ્વારા પારાયણ કરવામાં આવી રહ્યું છે.
આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડયાની નિશ્રામાં રાષ્ટ્ર શાંતિ અને આજની પેઢી વૈદિક પરંપરાથી અવગત થાય એ હેતુથી આ અનોખું ધર્મકાર્ય ચાલી રહ્યું છે.આ અંગે આચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે, શુક્લ યજુર્વેદમાં ૧૯૭૫ મંત્રો હોય છે. જેમાં સંહિતા, પદ અને ક્રમ એમ ત્રણ પ્રકૃતિ છે. તો અષ્ટ વિકૃતિઓ છે. જટા, માલા, શિખા, રેખા, ધજા, દંડ, રથ અને ઘન. આ આઠને અલગ અલગ રીતે બોલીને ઘન પાઠ થાય છે. જેના પારાયણથી આસપાસનું વાતાવરણ દિવ્ય અને અલૌકિક બને છે.
દત્તાશ્રયમાં હાલ પંચસંધી માલાયુક્ત ઘન પાઠ થઈ રહ્યા છે. સામાન્ય રીતે એક મંત્ર બોલતા જે સમય લાગે એનાથી ૧૦થી અધિકગણો સમય ઘન પાઠમાં લાગે છે. આ આખી શ્રુત પરંપરા છે. જે ક્યાય લેખિત સ્વરૂપમાં જોવા મળતી નથી. ગુરુ પરંપરાથી બ્રાહ્મણો આ કંઠસ્થ પારાયણ કરી રહ્યા છે.સમગ્ર ભારતમાં 50 જેટલા બ્રાહ્મણો હશે જે ઘનપાઠ કરી શકે છે. દત્તાશ્રયમાં હમણાં વિદ્વાન પંડિત કિરણ પાઠક અને તેજસભાઇ આ પાઠ કરાવી રહ્યા છે.
દત્તાશ્રયમાં શ્રાવણ માસના અંતિમ દિવસે એક જ દિવસમાં સવા લાખ પાર્થિવ શિવલિંગની રચના કરીને દિવ્ય અનુષ્ઠાન કરવામાં આવશે. સવા લાખ શિવલિંગના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડશે.
Latest Stories