/connect-gujarat/media/media_files/2025/04/12/Nt2mKgfRj5Hw5sjDsOPc.jpeg)
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ગત તા. 3 ફેબ્રુઆરીના રોજ રાજકીય આગેવાનો દ્વારા ગેસ લાઇનની કામગીરીનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. જોકે, 15 દિવસ ચાલેલી કામગીરી બાદ હવે, છેલ્લા 2 મહિનાથી આ કામ ટલ્લે ચઢ્યું છે. જેના કારણે જુના તવરાના ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચ તાલુકાનું તવરા ગામ કે, જે પ્રથમ ટીપી સ્કીમમાં સમાવિષ્ટ ગામ છે. આ ગામ નજીક આસપાસના વિસ્તારમાં નવા ભરૂચનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે. ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી લઈ જુના તવરા મુખ્ય માર્ગને અડીને આવેલી મોટી મોટી ઈમારતોને ગેસ જોડાણ તેમજ મીઠા પાણીની લાઈનો સહિતના જોડાણો આપી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ, જુના તવરા ગામના લોકો જ મીઠાં પાણી અને ગેસ લાઇનથી વંચિત રહેતા ગ્રામજનોએ આ મામલે અનેકવાર રજૂઆતો અને આંદોલન કર્યા હતા.
ત્યારબાદ રાજકીય નેતાઓની આગેવાનીમાં ગત તા. 3 ફેબ્રુઆરીના રોજ ગુજરાત ગેસના કોઈપણ અધિકારીની ઉપસ્થિતિ વિના જ આ કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. જોકે, 15 દિવસ ચાલેલી કામગીરી બાદ હવે છેલ્લા 2 મહિનાથી આ કામ ટલ્લે ચઢ્યું છે.
સતત 2 મહિનાથી કામ બંધ રહેતા જુના તવરાના ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે વહેલી તકે ગેસ લાઇનની કામગીરીને ફરી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. જો, આવનારા દિવસોમાં આ કામગીરી શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનના પણ એંધાણ વર્તાય રહ્યા છે.