-
બોઈદ્રાની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી
-
બોઈદ્રા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ નોંધાવ્યો કામગીરીનો વિરોધ
-
વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરીને ખેડૂતોએ બંધ કરાવી
-
અગાઉ વાંધા અરજીઓ રજૂ કરી હોવા છતાં કામગીરી યથાવત
-
વરતળ ન મળે ત્યાં સુધી કામ કરવા દેવામાં આવશે નહીં : ખેડૂત
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરીને ખેડૂતોએ બંધ કરાવી વળતર ચૂકવવા માંગ કરી હતી.
કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી 765/440 KV વીજ ટ્રાન્સમિશન લાઈન કામગીરી વિવાદમાં આવી છે. દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઈન સામે અસરગ્રસ્ત ખેડૂતોએ મોરચો માંડ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામના ખેડૂતોએ પણ આ કામગીરીને બંધ કરાવી વળતર ચૂકવવા માંગ કરી છે. અગાઉ અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં, ખેડૂતોને જાણ કર્યા વિના પાવરગ્રીડ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ ધપાવી રહ્યું છે.
આ પરિસ્થિતિમાં ખેડૂતો આંદોલનની રણનીતિ ઘડવા સીમ વિસ્તારમાં એકઠા થયા હતા, જ્યાં પાવરગ્રીડ કોર્પોરેશન વળતર ચૂકવ્યા વગર કામગીરી કરી રહ્યું હોવાનો અસરગ્રસ્ત ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં, વળતર મળે નહીં ત્યાં સુધી કામગીરી અટકાવવાનો તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ નિર્ધાર વ્યક્ત કર્યો છે.