ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે સેવક તરીકે ફરજ બજાવતા કે.આર.મકવાણા વયનિવૃત્ત થતા ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ તથા કચેરીના સૌ અધિકારી કર્મચારીઓએ ભાવસભર નિવૃત્તિ વિદાયમાન આપ્યું હતું.
આ પ્રસંગે ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલે કે. આર.મકવાણાની સાથે જોડાઈને સતત કાર્યરત રહેવાની ભાવના વિશેના અનુભવો જણાવ્યા હતા. ત્યારે સેવક તરીકે ફરજ બજાવતા કે.આર.મકવાણાએ માહિતીમાં ૩૩ વર્ષ ઓફિસ કામગીરીને સંનિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી છે. કામ પ્રત્યેની ફરજ નિષ્ઠા અને પરોપકારની ભાવના રાખી એકબીજાને મદદરૂપ થવાની તેમની ખેવનાનો અનોખો ગુણ તેમનામાં છે. અન્ય કર્મચારીઓએ પણ પોતાના અનુભવો વાગોળ્યા હતા.
આ તબક્કે, કે.આર.મકવાણાએ કચેરીના સર્વેનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં દરેક કર્મચારી બંધુત્વની ભાવના સાથે માહિતી ખાતાની કામગીરીને વધુ દીપાવશે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.
કચેરીના વિવિધ સંવર્ગના અધિકારીઓ તથા કર્મચારીઓએ સેવક કે.આર.મકવાણાને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને આવકાર્યા હતા. ૩૩ વર્ષના કાર્યકાળને બિરદાવીને જિલ્લા માહિતી કચેરીના તમામ અધિકારી/કર્મચારીઓએ તેમનું નિવૃતિમય જીવન સુખદાયી અને આરોગ્યસભર નિવડે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં અધિક્ષક ભૂપેન્દ્ર વસાવા,માહિતી મદદનીશ યોગેશ વસાવા, ઓપરેટર વસંત સોજીત્રા, આશિષ રાણા અને સર્વે કર્મચારીઓ સહિત કે.આર.મકવાણાના કુંટુંબજનો ઉપસ્થિત રહ્યા હતા.