New Update
ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ
હીરા જોટવા અને તેના પુત્ર સહિત 3 લોકોની ધરપકડ
કામ કરનાર બન્ને એજન્સી હીરા જોટવાની હોવાનો ખુલાસો
કૌભાંડના નાણા પરિવારજનોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા
ખોટા જોબકાર્ડના આધારે આચરાયું કૌભાંડ !
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં પોલીસે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરી અને ચોકાવનારા ખુલાસા કર્યા છે. મનરેગાનું કામ કરનાર બંને એજન્સીઓ હીરા જોટવાની જ હોવાનો ઘટસ્ફોટ થયો છે
દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ આ પ્રકારનું જ કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના પિયુષ ઉકાળીની જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધા સભાડની મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા મનરેગાના કામોમાં ભરૂચના જંબુસર આમોદ અને હાંસોટ તાલુકામાં 56 ગામોમાં રૂ.7 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
આ અંગે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી હતી જેમાં 11 પોલીસ કર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સીટની રચના બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે જેમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવી છે.
ચકચારી મામલા અંગે આજરોજ ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી
આ મામલામાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મનરેગાનું કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ બંને હીરા જોટવાની જ એજન્સી છે અને આ એજન્સીઓએ મટીરીયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબ કાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવી લીધા હતા. આ ઉપરાંત જે જગ્યાએ કામ ન થયું હોય એવી જગ્યાના ખોટા બિલો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ બિલો બનાવવામાં હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની સંડોવણી હોવાનું ખુલ્યું છે. ખોટી રીતે મેળવાયેલ નાણાં હીરા જોટવા અને તેના પરિવારજનોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ભરૂચ પોલીસે આ મામલામાં વર્ષ 2021 થી 2025 સુધી વિવિધ ગામોમાં થયેલા કામોની પ્રગતિની ચકાસણી કરી હતી. આ ઉપરાંત અનેક સરકારી દસ્તાવેજો પણ તપાસ્યા હતા જેના અંતે આ કાર્યવાહી કરવામાં આવી છે.
બન્ને એજન્સી દ્વારા નિયત માનવશ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને જાતે જ યાંત્રિક મશીનરીથી રોડ રસ્તાના કામો કર્યા હતા જેમા શ્રમયોગીઓને રોજગારી મળી ન હતી. કૌભાંડ અંગે
પોલીસ જાપ્તામાં ઉભેલા કોંગ્રેસ નેતા હીરા જોટવાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી તેઓએ જણાવ્યું હતું કે તેઓ રાજકારણનો ભોગ બન્યા છે. સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નહીં.
ચકચારી મામલામાં હવે પોલીસે તપાસ તેજ કરી છે ત્યારે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જોકે આવનારા દિવસોમાં અનેક મોટા અધિકારીઓ અને નેતાઓને સંડોની બહાર આવે તો નવાઈ નહીં.