કૌભાંડી હોસ્પિટલો સામે આરોગ્ય વિભાગનો એક્શન પ્લાન
આરોગ્ય સેવાઓમાં વધી રહેલી ગેરરીતિઓ સામે પગલાં
કાશીમા હોસ્પિટલ વિરુદ્ધ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી
કાશીમા હોસ્પિટલમાં વિવિધ ગેરરીતિઓ સામે પગલાં લેવાયા
હોસ્પિટલનું PMJAY હેઠળનું એમ્પેનલમેન્ટ સસ્પેન્ડ કરાયું
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી કાશીમા હોસ્પિટલમાંથી વિવિધ ગંભીર ગેરરીતિઓ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં આરોગ્ય સેવાઓમાં વધતી ગેરરીતિઓને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ લાભ લેતી કેટલીક ખાનગી હોસ્પિટલો ગેરરીતિ કરતા હોવાની માહિતી મળતાં આરોગ્ય વિભાગે અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભરૂચ શહેરની કાશીમા હોસ્પિટલમાં વિવિધ ગંભીર ખામીઓ સામે આવી હતી. જેમાં હોસ્પિટલમાં ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ હાજર નહોતો, દર્દીઓને સારવાર આપતાં કર્મચારીઓ પાસે જરૂરી ટેક્નિકલ લાયકાત ન હતી. વધુમાં, હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન જેવી જરૂરી મંજૂરીઓ પણ ઉપલબ્ધ ન હોવાનું ખુલ્યું છે.
આ ઉપરાંત, તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ હોસ્પિટલ એક રહેણાંક બંગલામાંથી ગેરકાયદે રીતે સંચાલિત થતી હતી. આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલારૂપે કાશીમા હોસ્પિટલનું PMJAY હેઠળનું એમ્પેનલમેન્ટ સસ્પેન્ડ કરી દીધું છે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી આ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સ્તરે ચાલતી હોવાની જાણકારી મળી હતી. પરંતુ નિયમિત તપાસ ન થતા ગેરરીતિ લાંબા સમયથી ચાલી રહી હતી. જોકે, આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી બાદ અન્ય ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં પણ ચકચાર મચી જવા પામી છે.