-
ઝઘડિયામાં સ્થાનિકોનું રસ્તા રોકો આંદોલન
-
બિસ્માર માર્ગને પગલે સ્થાનિકોમાં આક્રોશ
-
નેત્રંગથી રાજપારડીનો માર્ગ છે ખખડધજ
-
વાહનોની લાગી લાંબી કતાર
-
રસ્તાનું સમારકામ કરાવવા માટે કરાઈ માંગ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરીયા ગામના સ્થાનિકોમાં બિસ્માર રસ્તા મુદ્દે આક્રોશ જોવા મળ્યો હતો,અને ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.
ભરૂચ જિલ્લામાં વરસાદની મોસમમાં વિવિધ માર્ગો બિસ્માર બની ગયા હતા,જોકે તંત્ર દ્વારા હજુ પણ ઘણા રસ્તાઓનું સમારકામ કરવામાં ઉદાસીનતા દાખવી હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે ઝઘડિયા તાલુકાના હિંગોરીયા નજીક નેત્રંગથી રાજપારડીને જોડતા બિસ્માર માર્ગના વિરોધમાં સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.અને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ માર્ગ પરથી પસાર થતા હાઇવા સહિતના નાના મોટા વાહનોની કતાર લાગી ગઈ હતી,અને સ્થાનિક લોકોએ રસ્તા વચ્ચે બેસીને રસ્તા રોકો આંદોલનને અંજામ આપ્યો હતો.આ અંગેની જાણ રાજપારડી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.અને આંદોલન કરી રહેલા લોકોને સમજાવીને રસ્તો ખુલ્લો કરવા માટે જણાવ્યું હતું.જોકે રસ્તો રોકનાર સ્થાનિક લોકોએ જવાબદાર અધિકારીને સ્થળ પર બોલાવવાની જીદ્દ પકડી હતી.રસ્તા રોકો આંદોલનને પગલે અનેક વાહનોની કતાર લાગી ગઈ હતી.