સાયખા GIDCમાં સર્જાય દુર્ઘટના
વિશાલ ફાર્મામાં સર્જાય દુર્ઘટના
પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી નીકળી આગ
એકનું મોત,24 લોકો થયા ઇજાગ્રસ્ત
આસપાસના ઉદ્યોગોમાં પણ નુકસાન
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા ઔદ્યોગિક વસાહત ખાતેની વિશાલ ફાર્મામાં મધ્યરાત્રી બાદ અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગની દુર્ઘટના સર્જાય હતી.આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું,જ્યારે 24 ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે,વધુમાં મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર સાયખામાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મધ્યરાત્રી બાદ મોટી દુર્ઘટના સર્જાઈ હતી.વિશાલ ફાર્મામાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અચાનક બોઇલર ફાટતા એક પ્રચંડ ધડાકો થયો હતો, જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. સત્તાવાર માહિતી મુજબ, અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે 24 જેટલા લોકોને ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકશાન થયું છે. ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે, અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતાં સર્ચ ઓપરેશન ચાલુ છે.અને આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ દુર્ઘટના અંગે ડેપ્યુટી ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,અને પોલીસતંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશાલ ફાર્મામાં દુર્ઘટના બાદ કંપની પર સાયખા ગ્રામ પંચાયતના સરપંચ જયવિરસિંહ રાજ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.જેમાં કંપની લાયસન્સ વગર જ ધમધમતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે,ત્યારે તંત્ર દ્વારા આ ગંભીર બાબત અંગે પણ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
વિશાલ ફાર્મામાં દુર્ઘટનાની તપાસમાં આવેલા જીપીસીબીના અધિકારી સુનિલ પટેલ દ્વારા પ્રથમ તો મિડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો,જોકે બાદ તેઓએ યોગ્ય તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.