ભરૂચ : જિલ્લા ભાજપ સંગઠન સામે સાંસદની નારાજગી,કોંગ્રેસ-આપમાંથી આવેલા કાર્યકર્તાઓને મહત્વનું સ્થાન મળતા મનસુખ વસાવા નારાજ

ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા સરકારી તંત્ર સામે બાંયો ચઢાવ્યા બાદ હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

New Update
  • ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનથી વિવાદનો મધપૂડો છંછેડાયો

  • જિલ્લા ભાજપ પ્રમુખના નિર્ણય સામે સાંસદે વ્યક્ત કરી નારાજગી

  • ભાજપ સંગઠનમાં કોંગ્રેસ-આપમાંથી આવેલા કાર્યકર્તાઓને મળ્યું સ્થાન

  • સાંસદ મનસુખ વસાવાએ હોદ્દેદારોની નિમણુંકને લઈ અસંતોષ કર્યો વ્યક્ત

  • સાંસદે જિલ્લા ભાજપ પ્રમુખના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો 

ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ ઝઘડિયા અને વાલિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરતાની સાથે સાંસદ મનસુખ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.અને જણાવ્યું છે કે કોંગ્રેસ-આપમાંથી આવેલા કાર્યકર્તાઓને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે તે અયોગ્ય છે.

ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા સરકારી તંત્ર સામે બાંયો ચઢાવ્યા બાદ હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી,જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ તાલુકામાં તાલુકા ભાજપના હોદ્દેદારોની જે વરણી કરી છેતેમાં મોટાભાગના સ્થાનિક ધારાસભ્યો તથા સાંસદ સભ્ય તરીકે મને વિશ્વાસમાં લીધો નથી. જીલ્લા પ્રમુખ સાથે વારંવાર અમારી મિટિંગ થઈ હોવા છતાં પણ ધારાસભ્યોના અને અમારા સૂચનોની એમને અવગણના કરી છે. જીલ્લા પ્રમુખે એમની આસપાસની ટોળકીનાં દબાણથી તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરી છે.જે આવનારા દિવસોમાં જિલ્લા પંચાયતતાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારે નુકસાન પહોંચાડશે તેવી શક્યતા તેઓએ વ્યક્ત કરી છે.

સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ભરૂચ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે છતાં પણ તાલુકાઓમાં આદિવાસીઓને ખૂબ જ ઓછું સ્થાન મળ્યું છે. વાલિયા તાલુકામાં તાલુકા પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજ માંથી નિમણૂક કરી છે. જેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ એમની સાથે બંને મહામંત્રી તરીકે આદિવાસીની નિમણૂક કરવાની હતી.તેના બદલે મહામંત્રી પણ ક્ષત્રિય નીમ્યા છે. એ જ રીતે ઝઘડિયામાં આદિવાસી સમાજ અને પટેલ સમાજની અવગણના કરી છે. ઝઘડિયામાં પ્રમુખ સામાન્ય છે તો ત્યાં મહામંત્રી તરીકે આદિવાસીને પ્રાધાન્ય મળવુ જોઈએ અને પટેલ સમાજ પણ ઝઘડિયામાં પ્રભુત્વ ધરાવે છે તો તેમની અવગણના કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં હોદ્દેદારોની નિમણુંકનો મુદ્દો સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ વચ્ચે વિવાદોનું કેન્દ્ર બન્યો છે,ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ભાજપ સંગઠન દ્વારા આ મુદ્દાના ઉકળતા ચરૂને ઠારવા માટે કયો ઠોસ નિર્ણય લેવામાં આવે છે.  

Latest Stories