/connect-gujarat/media/media_files/2025/02/01/O6B7MEWABvovnaaFPMFW.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કદવાલી ગામના બસ સ્ટેન્ડ નજીક ચા-નાસ્તાની દુકાનની પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવવાના મામલે રાજપારડી પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે 2 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક કદવાલી ગામના બસ સ્ટેન્ડ પાસે ચા-નાસ્તાની દુકાનની પાછળના ભાગે વેચાણ માટે સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. રાજપારડી પીઆઇ એચ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કદવાલી ગામનો વિશાલ વસાવા કદવાલીના બસ સ્ટેન્ડ નજીક ચા-નાસ્તાની દુકાનના પાછળના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે રેઇડ કરીને તપાસ કરતા દુકાનની પાછળના ભાગે ઝાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂ. 49,048/-ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો તેમજ 1 મોબાઇલ મળીને કુલ રૂ. 54,048/-નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પર હાજર ઇસમ અજય વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે આ ગુના હેઠળ અજય વસાવા તેમજ અન્ય ઇસમ વિશાલ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.