ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ
પોલીસની એક ટીમ વેરાવળ પહોંચી
પુરાવા એકત્રિત કરવા કવાયત
હીરા જોટવા સહિત 6 આરોપીઓ છે પોલીસ રિમાન્ડ પર
તપાસ બાદ થઈ શકે છે વધુ ખુલાસા
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ તેજ બની છે.આ મામલામાં ઝડપાયેલ કોંગ્રેસ નેતા હીરા જોટવા તેનો પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીઓ પોલીસના રિમાન્ડ પર છે ત્યારે ભરૂચ પોલીસની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી છે.આ મામલામાં વેરાવળની બંને એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ગુનો નોંધાયો હતો ત્યારે દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા સહિત નાણાકીય વ્યવહારોની તપાસ કરવા માટે ભરૂચ પોલીસની એક ટીમ વેરાવળ પહોંચી છે અને ત્યાં તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડમાં ભરૂચના જંબુસર આમોદ અને હાસોટ તાલુકાના 56 ગામોમાં રૂપિયા 7 કરોડથી વધુનું કૌભાંડ આચારાયુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી ત્યારબાદ ભરૂચ પોલીસ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી અને સીટ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. હીરા જોટવાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથેના સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત કોની કોની સાથે નાણાકીય લેવડ-દેવડ થઈ હતી તે સહિતની વિગતો મેળવવા પોલીસે કમર કસી છે. તો બીજી તરફ મટીરીયલ સપ્લાય કરવા કોના વાહનો આવતા હતા એ સહિતની પણ વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે.