New Update
ભરૂચની નિર્ભયાનું વડોદરા ખાતે મોત
સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત
નિર્ભયાના મોત બાદ રાજકીય આગેવાનોની પ્રતિક્રિયા
ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર
ભાજપે આરોપીને કડક સજા થાય એ માટે રજૂઆતનું આપ્યું આશ્વાસન
ભરૂચની નિર્ભયાનું વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત થયા બાદ હવે રાજકીય પક્ષોની પ્રતિક્રિયા સામે આવી રહી છે.જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યા હતા તો ભાજપે આ મામલે આરોપીને કડક સજા થાય તેવી રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું છે
ભરૂચની 10 વર્ષીય બાળકી પર અત્યંત વિકૃત રીતે દુષ્કર્મ આચરતા તેનું આઠ દિવસની સારવાર બાદ વડોદરા ખાતે મોત નીપજ્યું હતું.બાળકીના મૃતદેહને તેના વતન ઝારખંડ રવાના કરવામાં આવ્યો છે પરંતુ આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે આ મામલે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે.
ચૈતર વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં આવા કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. આવા નરાધમોને ફાંસી અપાવવામાં પણ ખૂબ જ વિલંબ થતો હોય છે. પોકસોના કેસોમાં 4375 કેસો પેન્ડિંગ છે. હવે આવા નરાધમોને કડકમાં કડક તાત્કાલિક સજા થાય તેના માટે રાજ્ય સરકાર કડક કાયદા બનાવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
સાથે જ આવા મામલામાં ભાજપના આગેવાનોનું મૌન આરોપીને બળ પૂરું પાડતું હોવાના પણ આક્ષેપ કરાયા છે તો આ તરફ ભારતીય જનતા પાર્ટીના ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે.રિતેશ વસાવાએ નિર્ભયાના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જણાવ્યું હતું કે આ મામલામાં નરાધમ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવશે.
Latest Stories