-
બિસ્માર રોડથી રહીશો ત્રાહીમામ
-
ચામુંડા માતાજીના મંદિરથી શ્રીપાદ સો.સુધીનો રોડ બન્યો બિસ્માર
-
જિલ્લા કલેક્ટરને રહીશોએ પાઠવ્યું આવેદનપત્ર
-
દોઢ વર્ષથી મંજુર થયેલો રોડ હજી સુધી બન્યો નહીં
-
વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી કરાઈ માંગ
ભરૂચના ઝાડેશ્વર ખાતેના શ્રી ચામુંડા માતાજીના મંદિરથી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર રોડ મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
ભરૂચ ઝાડેશ્વરના શ્રી ચામુંડા માતાજી મંદિરથી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર બનેલ અને દોઢ વર્ષથી મંજુર થયેલ રોડ હજુ ન બનતા રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.ઝાડેશ્વર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતા શ્રી ચામુંડા માતાજી મંદિરથી શ્રીપાદ સોસાયટી જવાના રોડ પર શ્રીજી દર્શન કોમ્પલેક્ષ સોસાયટી,શ્રી નિકેતન, મંગલ દર્શન સહિત દસથી પણ વધુ સોસાયટીઓ આવેલી છે.જેમાં દસ હજારથી વધુ લોકો રહે છે .લોકોની સતત અવરજવરથી ધમધમતો આ રોડ અત્યંત બિસ્માર બન્યો છે.ચોમાસા દરમ્યાન પણ પાણી ભરાવા સાથે ખાડા પણ પડતા અકસ્માત પણ સર્જાયા હતા.આ રોડ પર આવેલ વિવિધ સોસાયટીના પ્રમુખો સાથે રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં જણાવ્યું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર કે જવાબદાર અધિકારી દ્વારા કોઈ નિવારણ કરવામાં આવ્યું નથી.છેલ્લા દોઢ વર્ષ થી અન્ય રોડની સાથે આ રોડની પણ મંજૂરી આપવામાં આવી હોવા છતાં છ - છ વખત ટેન્ડરીંગ કરવા છતાં પણ રોડ બનાવવા કોઈ એજન્સી આવતી ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.હાલમાં બિસ્માર બનેલ આ રોડ પર ધૂળ ઉડતા રહીશો ત્રાહીમામ પોકારી ઊઠયા છે,તો તાત્કાલિક રોડની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.