સેવાયજ્ઞ સમિતિનો સેવાનો અનોખો યજ્ઞ
400થી વધુ નિરાધાર લોકોએ કરી યાત્રા
ધાર્મિક યાત્રાનું કરવામાં આવ્યું સુંદર આયોજન
પ્રવાસ સાથે ભોજન પ્રસાદની કરાઈ વ્યવસ્થા
યાત્રા થકી ધન્યતા અનુભવતા નિરાધાર યાત્રી
ભરૂચ જિલ્લામાં નિરાધાર અને જેનો કોઈ જ વારસો નથી તેવા લોકો માટે આધાર સ્તંભ સેવાયજ્ઞ સમિતિએ 400થી વધુ લોકો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરીને સૌના મુખ પર ખુશી પ્રસરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચ જિલ્લામાં વર્ષોથી નિરાધાર અને કોઈ જ વારસ ન હોય તેવા લોકોની સેવા માટે અવિરત કાર્યરત ભરૂચ સેવાયજ્ઞ સમિતિ દ્વારા એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. સમિતિના મુખ્ય કાર્યકર રાકેશ ભટ્ટ, સંજય કાપડિયા અને હિમાંશુ પરીખ સહિતની ટીમના પ્રયાસોથી આશરે 400થી વધુ નિરાધાર લોકોને ધાર્મિક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.આ પ્રવાસ અંતર્ગત ભરૂચમાંથી નિરાધાર લોકોને પોઇચા સ્વામિનારાયણ મંદિર તેમજ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં દર્શન કરાવવામાં આવ્યા હતા. સમિતિના સભ્યો લાંબા સમયથી ઈચ્છા રાખતા હતા કે આ લોકો પણ ધાર્મિક અને આધ્યાત્મિક અનુભૂતિનો લાભ લઈ શકે, જેના ભાગરૂપે આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રવાસ દરમિયાન ભોજન, પાણી તથા આરામની સુવિધા સહિતની તમામ વ્યવસ્થાઓ સેવાયજ્ઞ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. પ્રવાસ પૂર્ણ થયા બાદ નિરાધાર લોકોના ચહેરા પર આનંદ અને સંતોષના ભાવ જોવા મળ્યા હતા. સમિતિના આ માનવતાપૂર્ણ કાર્યની સ્થાનિક સ્તરે વિશાળ પ્રશંસા થઈ રહી છે.