-
દહેજ-ભેંસલી નજીકથી યુવકનો મૃતદેહ મળી આવવાનો મામલો
-
4 મહિના પહેલાં અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો હતો મૃતદેહ
-
યુવકનો મૃતદેહ ભેંસલી નજીક ફેંકી હત્યારાઓ થયા હતા ફરાર
-
પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો, જ્યારે 4 શખ્સો વોન્ટેડ
-
રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા કરવામાં આવી : પોલીસ
ભરૂચ જિલ્લાના દહેજ નજીક ભેંસલી ગામની અવાવરું જગ્યામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ઉત્તરપરદેશના ઝાંસીના અતુલ પટેરિયાનો ભાઈ દિલીપકુમાર ઉર્ફે દિપક વડોદરાની આર્યા રોડ લાઈન્સમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. જે ભરૂચ જિલ્લાના દહેજના જોલવા ખાતે રહેતો અને ડ્રાઇવરોનો હિસાબ કિતાબ રાખતો હતો. તે અરસામાં ગત તા. 22મી સપ્ટેમ્બર-2024ના રોજ અતુલના પુત્રનો જન્મદિવસ હોય, જેથી તેઓએ દિલીપને ફોન કર્યો હતો.
પરંતુ તે બંધ આવતો હતો. જે બાદ સાંજના સમયે દિલીપ સાથે રહેતાં બ્રિજમોહને તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, 20મી સપ્ટેમ્બરથી દિલીપ ગાયબ છે. તે ગામ આવ્યો છે કે, કેમ તે અંગે પૂછતા તે વતનમાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. તે અરસામાં દહેજના ભેંસલી ગામેથી તેનો મૃતદેહ મળી આવતા અતુલે હત્યાની આશંકા વ્યક્ત કરી દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં પોલીસે તપાસ આગળ ધપાવતા પેનલ પીએમ કરાવવા સાથે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલાન્સ તેમજ હ્યુમન સોર્સિસની મદદ લેવામાં આવી હતી. તો બીજી તરફ, પોલીસ તપાસમાં મૃતક દિપકના કાર્ડથી અલગ અલગ ATMથી તેના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યાં હોવાનું માલુમ પડતાં પરિવારજનોને પુછતાં તેમણે કોઈ રૂપિયા ઉપાડ્યા ન હોવાનું તેમજ આર્યા ટ્રાન્સ્પોર્ટમાં ડ્રાઇવિંગ કરતાં શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ તેમજ સોહેલ એહમદ પ્રતાપગઢ સાથે રૂપિયાની લેવડદેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડયું હતું.
જેથી તેઓની તપાસ કરતાં તે તેમજ અન્ય 4 સાગરિતો શંકાના દાયરામાં આવ્યા હતા. જેથી પોલીસે તમામ શંકમંદો શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ, સોહેલ એહમદખાન, મહંમદ હનીશ ઉર્ફે રાજા, નસીફ તેમજ મહમદ અનસ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન માહિતી મળી હતી કે, આ આરોપીઓ પૈકી એક જોલવામાં ડ્રાઈવરની નોકરી શોધી રહ્યો છે.
બાતમીના આધારે દહેજ પોલીસે દોડી જઇ મોહમ્મદ અનસને ઝડપી પાડી પૂછપરછ કરતા દીપકની હત્યા તેના અન્ય 4 સાથીદારો સાથે મળી કરી હોવાની કબૂલાત આપી મુંબઈથી પ્લાન બનાવી આવતા દોરડું, રૂમાલ ચપ્પુ લીધા હોવાનું જણાવી તેના દ્વારા દિલિપ મોતને ઘાટ ઉતારી ભેસલી ખાતે મૃતદેહ ફેંકી મુંબઈ ભાગી ગયા હોવાનું પણ કહેતા પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.