જંબુસરમાં છેલ્લા ઘણા દિવસોથી રખડતાં ઢોરનો ત્રાસ
તાજેતરમાં જ એક વિદ્યાર્થી પર ઢોરે કર્યો હતો હુમલો
વિવિધ વિસ્તારોમાંથી ઢોર પકડવાની કામગીરી કરાય
પાલિકાની કાર્યવાહીથી ઢોર માલિકોમાં ફફડાટ ફેલાયો
આગામી દિવસોમાં પણ તંત્રની કામગીરી યથાવત રહેશે
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં છેલ્લા ઘણા દિવસોથી રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો છે, ત્યારે જંબુસર પાલિકા તંત્ર રખડતા ઢોર તેમજ પશુપાલકો સામે તવાઈ બોલાવી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા દિવસેને દિવસ ગંભીર બની રહી છે. તાજેતરમાં જ એક વિદ્યાર્થી પર ઢોરે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતાં જંબુસર નગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે. પાલિકા દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરાતાં છેલ્લા 24 કલાકમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 4 ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે.
પાલિકા તંત્રએ ચુસ્ત કાર્યવાહી સાથે આ કામગીરી કરી છે. જેના કારણે ઢોર માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, અને કેટલાકે પોતાના ઢોરને દૂર ખસેડવાનો પ્રયાસ પણ કર્યો હોવાની માહિતી મળી છે. જંબુસર નગરપાલિકા તરફથી ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઇપણ ઢોર માલિક પોતાના ઢોરને ફરીથી જાહેર રસ્તાઓ પર ફરતા મુકશે તો તેવા તમામ ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ સંબંધિત માલિકો સામે પણ કાયદેસરના પગલાં ભરવામાં આવશે.