-
ભરૂચમાં સ્થાનિકો મુશ્કેલીમાં
-
દાંડિયા બજારમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રસ્ત
-
શાકમાર્કેટ-મરછી માર્કેટના વેપારીઓને હાલાકી
-
વારંવાર રજુઆત છતાં પરિણામ શૂન્ય
-
સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવવા માંગ
ભરૂચમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં છેલ્લા ૧૦થી વધુ દિવસથી ગટર લાઈન ઉભરાઈ છે. જેના કારણે દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે. નજીકમાં જ શાકમાર્કેટ તેમજ મચ્છી માર્કેટ પણ આવેલું છે ત્યારે વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ અંગે વેપારીઓ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય દિવસોથી ગટર લાઈન ઉભરાય છે. આ અંગે નગર સેવાસદનમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે તેઓના વેપાર અને રોજગારને પણ અસર પહોંચી રહી છે.
આ સાથે જ દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.