-
ઝઘડીયા તાલુકાના ઇન્દોરના ગ્રામજનોને મોટી સમસ્યા
-
ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણનો કર્યો આક્ષેપ
-
ગેરકાયદે રસ્તો દૂર કરવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ
-
કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય
-
પશુધનને ચરવા માટે એકમાત્ર ગૌચરની જગ્યા : ગ્રામજન
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોરના ગ્રામજનોની ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામના ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી ગામના ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરી હતી. જેમાં સર્વે નં. 287 અને 288વાળી જમીન પર ગૌચરની જગ્યા આવેલ છે. આ જગ્યામાં ગેરકાયદેસરનો રસ્તો ગ્રામ પંચાયતના સરપંચની મિલીભગતથી બન્યો હોવાનો પણ આક્ષેપ થયો છે. એટલું જ નહીં, આ રસ્તા પરથી રોજની 500 ટ્રકો અને ડમ્પરો પસાર થાય છે. જેના કારણે આજુબાજુની વસ્તી તથા ગૌધનને ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડે છે. આ રસ્તા પર શાળા અને રોહિતવાસ પણ આવેલ છે, જ્યાં બાળકો અવર જવર કરતા હોય, જેથી અકસ્માત પણ થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. પશુધનને ચરવા માટે સૌથી નજીક આજ ગૌચરની જગ્યા છે. પરંતુ ગૌચરની જગ્યામાંથી કાઢવામાં આવેલ રસ્તાના કારણે પશુધનને ચારો પુરતો મળી રહેતો નથી, ત્યારે આ ગેરકાયદેસરના માર્ગને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ કરવા ગ્રામજનોએ તંત્રને રજૂઆત કરી છે.