માર્ગ બન્યો રાજકારણીઓ માટે આક્ષેપબાજીનો અખાડો
જંબુસરમાં વરસાદના કારણે રોડનું કામ રખાયું હતું બંધ
વરસાદ વચ્ચે રોડના કામનો વિડીયો થયો હતો વાયરલ
ભાજપ અને કોંગ્રેસ પક્ષએ કર્યા હતા સામસામે આક્ષેપ
વરસાદના કારણે રોકાયેલું માર્ગનું કામ ફરી શરૂ કરાયું
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીનાRCC માર્ગનું વરસાદના કારણે રોકવામાં આવેલું કામ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના જંબુસર એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીનાRCC માર્ગના કામ દરમિયાન વરસાદ પડતા કામ રોકી દેવામાં આવ્યું હતું. જોકે, વરસાદ વચ્ચે પણ કરવામાં આવેલી માર્ગની કામગીરીનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા જંબુસર નગરપાલિકાના ઈજનેરને સુરતRCM દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ મુદ્દે જંબુસર-આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી મુખ્યમંત્રી સમક્ષ સતત રજૂઆત કરતા હતા. જેમાં ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા પછી કામ ફરી શરૂ કરવાની મંજૂરી મળી હતી. અથાગ પ્રયાસ બાદ માર્ગનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે.
તો બીજી તરફ, કોંગ્રેસ પક્ષએ પણ રોડનું કામ તાત્કાલિક શરૂ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ જંબુસર નગરપાલિકા અને ચૂંટાયેલા સભ્યોની ઝડપી કાર્યવાહીથી કોંગ્રેસના આંદોલન પહેલા જ કામગીરી શરૂ થતા રાજકીય ગરમાવો શમ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જંબુસર નગરની પ્રજા ઘણા સમયથી વિકાસ કાર્યને વેગ મળે તેવી રાહ જોઈ રહી હતી. પરંતુ“રાજકીય પક્ષ વચ્ચેની આક્ષેપબાજીમાં વર્ષો જૂની માંગણી સંતોષાય હોવાનું નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.