/connect-gujarat/media/media_files/2025/01/19/K8s6R1qcyjPdfUVPK9nU.jpg)
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખેતરમાં ભૂંડથી પાક બચાવવા માટે લગાવેલા વીજ કરંટથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતદેહને ઠેકાણે લગાવવાના પ્રકરણમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના નેત્રંગના રહેવાસી સંદીપ વસાવા ગત તા. 31 ડિસેમ્બર-2024ના રોજ ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા હતા. 2 દિવસ બાદ તા. 2 જાન્યુઆરી-2025એ સુકવણા ગામની સીમમાં સ્મશાન નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ વીજ કરંટ જણાવવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે LCB પોલીસ મથકના પીઆઈ એમ.પી.વાળાની આગેવાની હેઠળની તપાસમાં ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે દોલતપુર ગામના દેવેન્દ્ર શામજી ક્યાડા અને ગંભીર બુધિયા વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે, તેમણે ખેતરમાં બીટી કપાસને ભૂંડથી બચાવવા માટે લોખંડના સેન્ટિંગ વાયરમાં હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ આપ્યો હતો.
આરોપીઓએ મૃતદેહને પ્રથમ કપાસના ખેતરમાં સંતાડ્યો હતો, અને ત્યારબાદ રાત્રે ખાતરની કોથળીમાં ભરીને બાઈક પર સુકવાણા ગામની સીમમાં ફેંકી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે બન્ને આરોપીઓને વાલીયા પોલીસ મથકે સોંપ્યા છે, જ્યાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.