હાંસોટ તાલુકાના શેરા ગામની ખેતીની જમીન બની પાક વિહોણી
નીલગાય,જંગલી ડુક્કરના ત્રાસથી ખેડૂતો બન્યા લાચાર
1000થી વધુ વીઘા જમીનમાં ખેડૂતોએ ખેતી કરવાનું કર્યુ બંધ
ઉભા લહેરાતા પાકને જંગલી પ્રાણીઓ થી થાય છે મોટી નુકસાની
ખેડૂતોના રાત દિવસની મહેનત પર ફરી વળે છે પાણી
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના શેરા ગામના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે,નીલગાય અને જંગલી ડુક્કરના ત્રાસથી ખેતીના પાકને નુકસાન પહોંચી રહ્યું છે, જંગલી પ્રાણીઓના ત્રાસથી મુક્તિ અપાવવા માટે ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરી હતી,પરંતુ હજી સુધી કોઈ જ નિરાકરણ આવ્યું ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના શેરા ગામમાં 1200 એકર જમીનમાં ખેતી કરવામાં આવે છે,અને ખેડૂતો દ્વારા શેરડી,તુવેર,કપાસ અને ડાંગર તેમજ શાકભાજી સહિતના પાકનું વાવેતર કરીને ખેતીના પાક પર જ તેઓનું જીવનધોરણ નિર્ભર હતું.
પરંતુ સરદાર સરોવર ડેમ બની ગયા બાદ તેમજ ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહ્યું હોવાના કારણે આલીયાબેટ શેરા ગામ તરફની નદીનું વહેણ સુકાઈ ગયું છે,જેના કારણે આલીયાબેટ થી ઉતરાજ ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની જમીન માંથી નીલગાય,જંગલી ડુક્કર,આખલા અને ગાયોનો ત્રાસ ખેડૂતો માટે પરેશાનીનું કારણ બન્યો છે.
ખેડૂતો દ્વારા દિવસ રાત ખેતીના પાકને જંગલી પ્રાણીઓ થી બચાવવા માટે અનેક પ્રયત્નો કરે છે તેમ છતાં જંગલી પ્રાણીઓ દ્વારા ખેતરમાં ઉભા પાકનું ભેલાણ કરવામાં આવતા ખેડૂતો માટે ખેતીનો પાક બચાવવો મુશ્કેલરૂપ બની ગયો છે.
આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે શેરા ગામના ખેડૂતોએ વર્ષ 2022 ની ગ્રામસભામાં પણ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો,અને ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત કરી હતી,અને માંગણી કરી હતી કે જંગલ ખાતાની જમીન પર ફેન્સીંગ અથવા કંપાઉન્ડ વોલ બનાવીને ખેતરમાં પ્રવેશતા જંગલી પ્રાણીઓ ને અટકાવવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી હતી.
શેરા ગામના ખેડૂત આગેવાન રાકેશ પટેલે જણાવ્યું હતું કે શેરડીના ઉભા પાકને જંગલી ડુક્કર નુકસાન પહોંચાડે છે તો ઘઉં,તુવેર,શાકભાજી સહિતના પાકને નીલગાય તહેસનહેસ કરી નાખે છે,ગામની 1000 થી વધુ વીંઘા જમીન એવી છે કે જેમાં છેલ્લા 4 વર્ષથી ખેડૂત નુકસાનીના પગલે ખેતી જ નથી કરી શક્યા!
આ ઉપરાંત શેરા ગામના તળાવ પાસેનો કાચો રસ્તો પણ ખેડૂતને ખેતર સુધી પહોંચવા માટે અવરોધ રૂપ બન્યો છે,જોકે અંદાજીત સાડા ત્રણ કિલો મીટરનો પાકો રસ્તો મંજુર થઇ જતા ગ્રામજનો અને ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે,અને રસ્તો ક્યારે બનશે તેની રાહ જોઈ રહયા છે.
વધુમાં ગામ માંથી ખેડૂતે ખેતર સુધી ઝાડી ઝાંખરાવાળા માર્ગ થી ચાલીને જવું પડે છે,જેના પરિણામે ખેડૂતોમાં પણ ઠાલા વચનો નહીં પરંતુ તંત્ર દ્વારા તેઓની સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.