ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર દિન પ્રતિદિન લાંબા ટ્રાફિક જામનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.
અંકલેશ્વર નજીક ફરીએક વાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ આમલાખાડી પરના ઓવર બ્રિજથી લઈ રાજપીપળા ચોકડી સુધીના ઓવરબ્રિજ સુધી 3થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે. વહેલી સવારના સમયથી ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહનચાલકો અટવાયા હતા. વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો બ્રિજ બોટલ નેક માર્ગ હોવાના કારણે વડોદરાથી સુરત તરફ જતી લેનમાં વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે વાહન ચાલકોના કીમતી સમય અને ઇંધણનો પણ બગાડ થઈ રહ્યો છે. તો બીજી તરફ, છાશવારે સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિનું કાયમી નિરાકરણ લાવવા વાહનચાલકો માંગ કરી રહ્યા છે.