New Update
અંકલેશ્વરની યાદગાર ટ્રાવેલ્સમાં દમણથી વિદેશી દારૂનો જથ્થો લઈને આવેલ ત્રણ મહિલા સહિત બસ ચાલકની પોલીસે ધરપકડ કરી હતી,પોલીસે વિદેશી શરાબ અને બસ સહિત મળીને કુલ રૂપિયા 10.57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અંક્લેશ્વર શહેર ખાતેની યાદગાર ટ્રાવેલ્સ મારફતે કેટલાક લોકો દમણ ખાતે ટૂરમાં ગયા હતા. જોકે દમણથી પરત ફરતી વખતે વિદેશી દારૂનો વેપલો કરતી મહિલાઓ પોતાની સાથે બેગમાં બિયર તેમજ વિદેશી દારૂ ભરીને લાવી હતી,જોકે આ અંગેની ચોક્કસ બાતમીને આધારે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે પીરામણ નાકા પાસે વોચ ગોઠવી હતી.અને શાંતા સંજયભાઈ વસાવા,મીના રમેશભાઈ વસાવા,વસંતી સુરેશભાઈ વસાવા તમામ રહે અંકલેશ્વરનાઓ પાસેની બેગની પોલીસે તલાશી લીધી હતી,જેમાંથી પોલીસને બિયર તેમજ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો,
જ્યારે આ ઘટનામાં બસ ચાલક અને બસના માલિક દ્વારા મહિલાઓ દમણથી દારૂ લાવી રહી હોવાનું જાણવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા તેમના વિરુદ્ધ પણ પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો,અને ત્રણ મહિલા સહિત બસ ચાલક વિપુલ નટવરભાઈ પટેલ રહેવાસી ગુજરાત હાઉસિંગ,હસ્તી તળાવ,અંકલેશ્વરનાઓની પણ પોલીસે ધરપકડ કરી હતી,જ્યારે બસના માલિક આસિફ મુસ્તાક મલેકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.
આ ઘટનામાં ત્રણ મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ સાથે પોલીસે વિદેશી દારૂ,મોબાઇલ ફોન તેમજ યાદગાર ટ્રાવેલ્સની બસ મળી કુલ રૂપિયા 10 લાખ 57 હજાર 678 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી.