અંકલેશ્વરના રસ્તા પર ખાડાનો વિરોધ કરતા યુવક સામે પોલીસે દાખલ કરી ફરિયાદ

અંકલેશ્વર શહેરમાં ચૌટા નાકાથી ભરૂચી નાકા સુધીનો માર્ગ ખખડધજ છે.ત્યારે ખરાબ રસ્તાના કારણે પરેશાન એક યુવાને ભાજપના ઝંડા ખાડામાં લગાવીને તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

New Update
prost

યુવાને ભાજપના ઝંડા ખાડામાં લગાવીને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો 

અંકલેશ્વર શહેરમાં ચૌટા નાકાથી ભરૂચી નાકા સુધીનો માર્ગ ખખડધજ છે.ત્યારે ખરાબ રસ્તાના કારણે પરેશાન એક યુવાને ભાજપના ઝંડા ખાડામાં લગાવીને તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો,જોકે પોલીસ દ્વારા રાજકીય દબાણવશ આ યુવક સામે ટ્રાફિકને અડચણરૂપ થવા બદલ ગુન્હો દાખલ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરનો મુખ્ય માર્ગ એટલે કે ચૌટા નાકથી ભરૂચી નાક સુધીનો માર્ગ ખખડધજ થઇ ગયો છે,જે  અંગે અગાઉ પણ તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી,પરંતુ રસ્તો બનાવવા માટે તંત્ર  દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.ત્યારે શહેરના એક જાગૃત નાગરિક વિનય પટેલ દ્વારા બિસ્માર માર્ગથી પરેશાન થઈને તારીખ 20મી ઓગષ્ટની મોડી સાંજ બાદ ભાજપના ઝંડા રસ્તા પર પડેલા ખાડામાં મૂકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. 

જોકે આ યુવાને કરેલા વિરોધના કારણે શહેર ડિવિઝન પોલીસ દ્વારા રાજકીય દબાણવશ વિનય પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જેમાં વાહન ચાલકોને અડચણરૂપ અને તેમની સલામતીને ભયમાં મુકીને ત્રાસ દાયક કૃત્ય કરીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ ઘટનાએ પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

ઉલ્લેખનીય છે કે રાજકીય પક્ષો,ધાર્મિક સંસ્થાઓ દ્વારા યોજાતી શોભાયાત્રા સમયે પણ ટ્રાફિક પ્રભાવિત થતો હોય છે,આ ઉપરાંત હાલમાં ગણેશજીની નીકળતી શોભાયાત્રામાં ડીજેના ઘોંઘાટ સાથે યાત્રા નીકળે છે,જેનાથી પણ જાહેર રસ્તા પર લોકટોળા એકઠા થાય છે અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે,તેમ છતાં તંત્ર દ્વારા શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી,પરંતુ એક યુવકે પોતાની લાગણીવશ વિરોધ નોંધાવ્યો તો તેની સામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે,જે બાબતે પોલીસની વિશ્વનીયતા સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.  

Latest Stories