ભરૂચમાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ
નારાયણ અરેના સોસા.ના લોકોએ કર્યો વિરોધ
સોસાયટીના રહીશોએ વીજ કંપની સામે વ્યક્ત કર્યો રોષ
મહિલાઓએ થાળી વેલણ વગાડીને સ્માર્ટ મીટરનો કર્યો વિરોધ
સ્માર્ટ મીટર લગાવવા વીજ કંપની ન કરે દબાણની ઉઠી માંગ
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરેના સોસાયટીમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આશરે 300 મકાન માલિકોએ સ્માર્ટ મીટરની જરૂર ન હોવાનું આક્રોશપૂર્વક જણાવીને વીજ કંપનીના કર્મચારીઓ બળજબરી થી મીટર બદલવા આવી રહ્યા હોવાનો રોષ ઠાલવ્યો હતો.
ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે,જોકે સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે.ત્યારે ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરેના સોસાયટીમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી નો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
સોસાયટીના રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા એક મહિનાથી દરરોજ વીજ કંપનીની ટીમ સોસાયટીના ગેટ પર આવીને જૂના મીટરો કાઢી નવા સ્માર્ટ મીટર લગાવાની ઝંઝટ કરે છે. મહિલાઓએ જણાવ્યું કે આ કારણે રોજ ઘરનું કામકાજ છોડી તેમને ગેટ પર જઈને વિરોધ કરવો પડે છે. આજે સવારે પણ વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા આવ્યા ત્યારે સોસાયટીની મહિલાઓએ થાળીઓ વગાડી તેમનો વિરોધ નોંધાવ્યો હતો.
મહિલાઓએ જણાવ્યું કે જૂના મીટરો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે ત્યારે નવા મીટરની જરૂરત નથી.રહેવાસીઓએ માંગ કરી છે કે વીજ કંપની તેમના વિરુદ્ધ દબાણ કરવાનું બંધ કરે અને તેમની સંમતિ વિના મીટર બદલવામાં નહીં આવે તે બાબત નિશ્ચિત કરવા માટે માંગ કરી હતી.