-
સિદ્ધેશ્વર યુવા ગ્રુપ-ગડખોલ દ્વારા કરવામાં આવ્યું આયોજન
-
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કરાયું સુંદર આયોજન
-
મહાશિવરાત્રિ નિમિત્તે યોજાશે શિવ પરિવારની શોભાયાત્રા
-
નંદી ઉપર સવાર થઈ નગરચર્યાએ નીકળશે શિવ પરિવાર
-
વડોદરાના કલાકારોએ બનાવી શિવ પરિવાર અદ્ભુત પ્રતિમા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવજીની શાહી સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આગામી તા. 26મી ફેબ્રુઆરી-2025ના રોજ મહાશિવરાત્રીનો પર્વ ખાસ બનવાની સાથે ભગવાન શિવના નામ પરથી જે નગરનું નામ પડ્યું છે, તેવા અંકલેશ્વર શહેરમાં ભગવાન શિવ સહપરિવાર નગરચર્યામાં શિવજીની શાહી સવારી પર નીકળશે. અંકલેશ્વર ખાતે સતત ત્રીજી વખત અંકલેશ્વરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ (SYG) દ્વારા શિવજીની શાહી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના ડભોઇ રોડ પર એક મૂર્તિકાર દ્વારા શિવ પરિવારની વિશાળ પ્રતિમા જેવી જ આબેહૂબ 2 પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. જે 14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઉંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સહિત નારદજી બિરાજમાન છે.
એટલું જ નહીં, 800 કિલો વજનથી વધુ આ પ્રતિમા સાથેની શાહી સવારી હશે, ત્યારે હાંસોટ રોડ પર આવેલ રામકુંડ મંદિર નજીક એશિયાડનગર પાસેના ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતેથી મહાશિવરાત્રિએ સાંજે 7 કલાકે શાહી સવારીનું પ્રસ્થાન કરવામાં આવશે. જે શહેરના 5 કિલોમીટરના રૂટ પર ફરી ગડખોલ પાટિયા નજીક સિદ્ધેશ્વરી સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે. સિદ્ધેશ્વર યુવા ગ્રુપના અંકુર પટેલ, પાર્થ મહાજન, મેહુલ મોદી, વિનોદ પંડ્યા તેમજ SYG ગ્રુપના સભ્યોએ છેલ્લા એક મહિના ઉપરાંતથી મહાશિવારાત્રીના આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત સાથે અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે.