-
પશ્ચિમ વિસ્તારના સ્થાનિકોની DGVCL કચેરી ખાતે રજૂઆત
-
ખુર્શીદ પાર્ક સહિત આસપાસની સોસાયટીના સ્થાનિકોમાં રોષ
-
હાઇ વૉલ્ટેજના કારણે વીજ ઉપકરણોમાં થઈ રહ્યું છે નુકશાન
-
વૉલ્ટેજ લોડ પ્રમાણમાં કરવા નવી ડીપી મુકવા માટેની માંગ
-
સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ધરણાં પ્રદર્શનની ચીમકી
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના ખુર્શીદ પાર્ક સહિત આસપાસની સોસાયટીના સ્થાનિકોએ હાઇ વૉલ્ટેજના કારણે વીજ ઉપકરણોમાં થતાં નુકશાન અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સબ ડિવિઝન કચેરી ખાતે રજૂઆત કરી હતી.
ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સબ ડિવિઝન કચેરી ખાતે પશ્ચિમ વિસ્તારના ખુર્શીદ પાર્ક સહિત આસપાસની સોસાયટીના સ્થાનિકોએ પાલિકા સભ્યોને સાથે રાખી રજૂઆત કરી હતી. જેમાં છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની સોસાયટીઓમાં DGVCL દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠામાં હાઇ વૉલ્ટેજના કારણે વિવિધ વીજ ઉપકરણોમાં નુકશાન થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ વિસ્તારમાં વૉલ્ટેજ લોડ પ્રમાણમાં કરવા નવી ડીપી મુકવામાં આવે તે માટે સ્થાનિકોએ અગાઉ પણ DGVCL કચેરી ખાતે રજૂઆત કરી હતી.
તેમ છતાં આજદિન સુધી વીજ કંપની દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા ફરી એકવાર સ્થાનિકોએ DGVCL કચેરી ધસી આવી વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, આ વિસ્તારમાં કેટલાક ખુલ્લા ડીપીની આસપાસ ફેંસિંગ કરી લોકોની સુરક્ષા અને સલામતી માટે પણ કાળજી લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી. સમગ્ર મામલે DGVCL દ્વારા આગામી 30 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી. અને, જો કોઈપણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવે તો સ્થાનિકો DGVCL કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.