ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત અંબિકાનગર સોસાયટીમાં ગતરોજ તસ્કરો ત્રાટક્યા હતા. સદનસીબે મકાન માલિક જાગી જતાં તસ્કરો મકાનની દીવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યા હતા. જોકે, એક તસ્કર ત્યાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો.
હાલમાં દિવાળીના તહેવારોમાં ઘણા લોકો મકાનો બંધ કરીને પોતાના વતન અથવા ફરવા માટે બહારગામ જતા હોય છે, ત્યારે આ તકનો લાભ ઉઠાવી તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા હોય છે. તેવામાં ગતરોજ ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત અંબિકાનગર સોસાયટીમાં મંદિર નજીક આવેલા મકાનમાં રાત્રીના 3થી 4 તસ્કરો ત્રાટક્યા હતા. જોકે, તસ્કરો મકાનને નિશાન બનાવે તે પહેલા જ મકાન માલિક જાગી જતાં તસ્કરોમાં દોડધામ મચી ગઇ હતી. આ સમયે એક તસ્કર મકાનની દીવાલ કુદીને ભાગવામાં સફળ રહ્યો હતો. પરતું ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ અંગે સોસાયટીના સ્થાનિકોએ એ’ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.