કોટન કિંગ ગણાતા ભરૂચમાં કમોસમી વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુક્શાન, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

કોટન કિંગ ગણાતા ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે જેના કારણે ધરતીનો તાત સરકારી પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે.

New Update
  • ભરૂચ જિલ્લો ગણાય છે કોટનકિંગ

  • 90 હજાર હેકટર વિસ્તારમાં કપાસનું થયું છે વાવેતર

  • કમોસમી વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકશાન

  • છોડ પર જ તૈયાર કપાસ પલળી ગયો

  • ભાવમાં જબરદસ્ત ઘટાડો થાય એવી શક્યતા

કોટન કિંગ ગણાતા ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે જેના કારણે ધરતીનો તાત સરકારી પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે.
રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર-હાંસોટ પંથકમાં પડેલા આશરે ૫ ઇંચ વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે.ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકની સ્થિતિ દયનીય બની ગઈ છે. અનેક ખેતરોમાં કપાસના છોડ પલળી જતા ધોવાઈ ગયા છે, જ્યારે પવનના કારણે કેટલાક છોડ ખેતરમાં જ પડી ગયા છે જેના કારણે પાકની વૃદ્ધિ અટકી જશે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે. કનેક્ટ ગુજરાતની ટીમે આકાશી આફતની આ અણધારી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જેમાં અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું અને કપાસના બોલ્સ ભીની હાલતમાં ખેતરમાં જ પડેલા જોવા મળ્યા.આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદરૂપ નહીં બને તો અનેક ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે.
આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આવનરા દિવસોમાં સર્વે કરાવી સરકારના ધારાધોરણો મુજબ પાક સહાયની ચુકવણી કરાશે.ભરૂચ જિલ્લામાં આ વર્ષે લગભગ ૯૦ હજાર હેકટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. કમોસમી વરસાદના કારણે હવે પાકનું નિકંદન થવાની શક્યતા ઊભી થઈ છે, જે ખેડૂતો માટે આર્થિક ઝટકો સાબિત થઈ શકે છે.ગત વર્ષે કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹7000 રહ્યો હતો પરંતુ આ વર્ષે ઉત્પાદન અને ગુણવત્તા પર અસર થવાના કારણે બજારમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
Latest Stories