ભાવનગર શહેરના કાળુભા વિસ્તારમાં જાણીતા તબીબના ઘરેથી રૂપિયા 7 લાખની ચોરી થઈ હતી. જેમાં 10 કિલો ચાંદીના ઘરેણાં સહિતના માલમત્તાની ચોરી પોલીસે ગણતરીના દિવસોમાં જ 3 તસ્કરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા. 16 મેના રોજ ભાવનગર શહેરના કાળુભા રોડ પર માધવદીપ નજીક નંદનવન હોસ્પિટલ ચલાવતા જાણીતા બાળરોગ નિષ્ણાત ડો. જયેશ પંડ્યા પરિવાર સાથે પુના ગયા હતા, ત્યારે તસ્કરોએ ડો. જયેશ પંડ્યાની હોસ્પિટલ પાસે આવેલ તેમના બંધ બંગલાને નિશાન બનાવ્યું હતું, જ્યાં કબાટ તથા તિજોરીના લોક તોડી તેમાં રહેલ રૂ. 7 લાખની કિંમતના ચાંદીના ઘરેણાંની ચોરી કરી નાસી છૂટયા હતા. ચોરીની ઘટના અંગે મકાન માલિકે નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, ત્યારે આ તસ્કરો કુંભારવાડા મોતીતળાવ વિસ્તારના રહેવાસી જણાતા તેઓને પોલીસ મથકે લાવી યુક્તિ પ્રયત્નથી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા, અને તેઓએ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. આ મામલે પોલીસે તસ્કરો પાસેથી ચાંદીના ઘરેણાં સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.