ભાવનગર : ટિકિટ વગર મુસાફરી કરતા 267 મુસાફરો ઝડપાયા, રૂ. 2 લાખથી વધુનો દંડ વસૂલ

ટિકિટ વગર મુસાફરી કરતાં મુસાફરો પાસેથી લગભગ 2,09,160 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

New Update

ભાવનગર રેલ્વે સ્ટેશન (ટર્મિનસ)ના ટિકિટ ચેકિંગ સ્ટાફે માત્ર એક જ ટ્રેનમાંથી ટિકિટ વગર મુસાફરી કરતા 267 મુસાફરોને ઝડપી પાડ્યા હતા. જેમાં ટિકિટ વગર મુસાફરી કરતાં મુસાફરો પાસેથી લગભગ 2,09,160 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

હાલ દિવાળી અને છઠના તહેવાર વચ્ચે મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને રેલ્વે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, ત્યારે ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના નિર્દેશ અનુસાર ભાવનગર ડિવિઝનમાં ખાસ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.

ભાવનગર ટર્મિનસ પર ટ્રેન નંબર 02941 ભાવનગર-આસનસોલ સ્પેશિયલ ટ્રેનમાં ગત મંગળવારના રોજ ટિકિટ ચેકિંગ દરમ્યાન ટિકિટ વિના મુસાફરી કરતા કુલ 267 જેટલા મુસાફરોની ઓળખ કરવામાં આવી હતી, ત્યારે દંડ અને ભાડા તરીકે એક જ દિવસમાં એક જ ટ્રેનના મુસાફરો પાસેથી લગભગ 2,09,160 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જે ભાવનગર ટર્મિનસ પર અત્યાર સુધીનો સૌથી વધુ દંડ માનવમાં આવે છે, ત્યારે ભાવનગર ડિવિઝન તેના સમ્માનનીય મુસાફરોને યોગ્ય ટિકિટ લેવા અને સન્માન સાથે મુસાફરી કરવા માટે પણ વિનંતી કરે છે.