ભાવનગર જિલ્લાની 4 વિધાનસભા બેઠકો પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કોંગ્રેસના ઉમેદવારો માટે જંગી ચૂંટણી પ્રચાર કરી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં ભાવનગર જિલ્લાની પાલીતાણા, મહુવા, તળાજા અને ભાવનગરમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરતા સભા સંબોધી હતી. છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ સાથે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભુપેશ બઘેલે જણાવ્યુ હતું કે, ડબલ એન્જીનની સરકાર હવે ટ્રબલ એન્જીનની સરકાર બનીને રહી ગઈ છે. દેશમાં અસહ્ય મોંઘવારી અને બેરોજગારી વધી છે, ત્યારે જો કોંગ્રેસની સરકાર રાજ્યમાં બનશે તો ઘોષણા પત્રના આધારે તાકીદે અમલવારી કરવામાં આવશે. તેમ કહી કોંગ્રેસના ઉમેદવારોને મત આપવા પણ ભુપેશ બઘેલે આહ્વાન કર્યું હતું.