ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના મણાર ગામના ખેડૂત દ્વારા કેરીના પાકની પ્રાકૃતિક ખેતી કરી મબલક આવક મેળવી છે, ત્યારે ગામના અન્ય ખેડૂતોને પણ આ પ્રકારે ખેતી કરવા નવી રાહ ચીંધી છે.
વર્તમાન સમયની ખેતી ખૂબ જ ખર્ચાળ અને રાસાયણિક સાથે જ દવાયુક્ત બની ગઈ છે. દરેક ખેડૂતને ખેતીમાં ખર્ચો વધારે કરવો પડે છે, જેથી નફાનું પ્રમાણ ઓછુ રહે છે. તેમાં પણ જો પાકમાં જીવાત આવી જાય તો સંપૂર્ણ પાક નાશ પામે છે. જેથી વર્તમાન ખેડૂતે જાગૃત થઈ પ્રાકૃતિક ખેતી તરફ વળવા તૈયારી દર્શાવવી જોઈએ. જોકે, ઘણા ખેડૂતો આ તરફ પહેલ પણ કરી ચૂક્યા છે, ત્યારે તળાજા તાલુકાના મણાર ગામમાં આવેલ 'પ્રાકૃતિક ફાર્મ'ના ખેડૂત પરેશ ભટ્ટ છેલ્લા ઘણા વર્ષોથી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે.
વિવિધ પાકોના ઉત્પાદન સાથે તેઓ પશુપાલન પણ કરી રહ્યા છે. આ ખેડૂતે 10 વીઘાના ફાર્મમાં આંબાનું વાવેતર કરી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. કેરીના પાકની સારી ઉપજ લેવા આજેપણ તેઓ રાસાયણિક ખાતરના બદલે દેશી ખાતરનો ઉપયોગ કરવો વધુ હિતાવહ માની રહ્યા છે, ત્યારે આજના સમયમાં રસાયણિક ખાતર વાપરવાથી પાક તેમજ ખેતીની જમીનને કેટલું નુકશાન પહોચે છે તેને ધ્યાનમાં રાખી અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે પ્રેરણા આપી રહ્યા છે.