-
ચિત્રા વિસ્તારમાં લૂંટની ઘટનાનો મામલો
-
ત્રણ લૂંટારૂઓએ આપ્યો હતો લૂંટને અંજામ
-
ચપ્પુની અણીએ રૂ.75 લાખ રોકડની કરી હતી લૂંટ
-
પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
-
પોલીસે રૂ.74.97 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે ધોળા દિવસે છરીની અણીએ 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ લૂંટારુઓની ધરપકડ કરી હતી.અને રૂપિયા 74 લાખ 97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભાવનગર શહેરમાં ધોળા દિવસે જાહેર રોડ પર ત્રણ શખ્સોએ લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા, જોકે આ ઘટનામાં પોલીસની સતર્કતાના કારણે લૂંટારુઓ જિલ્લા બહાર પલાયન થાય એ પૂર્વે જ પોલીસે ત્રણે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે રૂપિયા 75 લાખ રૂપિયાની લૂંટ કરાવવાનો કિસ્સો સામે આવ્યો હતો. જે ઘટનામાં બેંકમાંથી રૂપિયા ઉપાડીને પરત જઈ રહેલા બે વ્યક્તિઓ પાસેથી રૂપિયા ભરેલા થેલાની છરીની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી, જે ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, એક એક્ટિવા અને બાઈક પર સવાર ત્રણ ઈસમોએ ફરિયાદીને અટકાવી રૂપિયા ભરેલી બેગને લૂંટી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જેને લઈને ભાવનગર APMC માં મીના એન્ટરપ્રાઇઝ નામની પેઢીના માલિકે લૂંટ કરી ફરાર થઈ ગયેલા 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો, અને ત્યાર બાદ પોલીસે પાંચ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી ગણતરીની કલાકોમાં જ ત્રણે લૂંટારૂઓને પોલીસે ઝડપી લીધા હતા, પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 74 લાખ 50 હજાર રોકડ અને 47 હજારના ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા 74 લાખ 97 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, સમગ્ર બનાવને લઈને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલે માહિતી આપી હતી.