રથયાત્રા પહેલાં ગુજરાત ATSએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પોરબંદરમાંથી 3 અને સુરતમાંથી 1 મહિલાની અટકાયત કરવામાં આવી છે. મહિલા પાસેથી 4 મોબાઈલ સહિત અન્ય ડિજિટલ ડિવાઈસ જપ્ત કરાયા છે, ત્યારે પકડાયેલા તમામ આરોપીઓ ગુજરાતની માહિતી ISIS સુધી પહોંચાડતા હોવાથી પાકિસ્તાન ક્નેકશન બહાર આવ્યું છે.
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા પોરબંદરમાંથી સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ATS દ્વારા 4 લોકોને દબોચી લેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી અનુસાર, આ ચારેય આતંકીઓ ISISના સક્રિય ગ્રુપના સભ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ શખ્સોની આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાઠગાંઠ હોવાનું ખૂલ્યું છે. આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો ગઈકાલે જ પોરબંદર પહોંચ્યો હતો. પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. ATS દ્વારા પોરબંદર રેલવે સ્ટેશન પાસેથી ઉમેદ નાસીર મીર, હમાલ હયાત સોલ, મોહંમદ હાજી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ દરમિયાન સુરતની સુમેરા બાનુનું નામ સામે આવ્યું હતું, જ્યારે અન્ય એક ફરાર આરોપી શ્રીનગરમાં હોવાની માહિતી મળી છે. પોરબંદરથી પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઇલ, લેપટોપ સહિતની સામગ્રી મળી આવી છે, તેમજ તેઓ જે આતંકી પ્રવૃત્તિઓ કરવાના હતા, તેનો વીડિયો પણ બનાવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ પોરબંદર થઇ વાયા અફઘાનિસ્તાન થઇ ઇરાન જવાના હતા અને ખુરાસાન પહોંચ્યા બાદ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાના હતા. પરંતુ આરોપીઓ દેશ છોડી ભાગે એ પહેલાં જ ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ATSએ ગુજરાતના ભરૂચ, સુરત તેમજ દિલ્હીમાં પણ અલગ અલગ જગ્યાએ તપાસ કરી હતી. જોકે, હવે આ તપાસ અંતે મોટુ રેકેટ સામે આવી શકે છે.