કુકમામાં યુવાન બોરમાં પડી જવાનો મામલો
યુવક ઊંડા બોરવેલમાં પડી જતા મોતને ભેટ્યો
કુકમાની વાડીમાં મજૂરી કામ કરતો હતો
રેસ્ક્યુ ટીમ દ્વારા યુવકને બહાર કઢાયો
જોકે યુવકને બચાવી શકાયો નહિ
કચ્છ જિલ્લાના ભુજ નજીક કુકમામાં બોરવેલમાં ખાબકેલા ઝારખંડના 20 વર્ષીય યુવકને નવ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, તેને બચાવી શકાયો નહતો અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
કચ્છ જિલ્લાના ભુજના કુકમા ગામ નજીક ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરમાં પડી જતા રૂસ્તમ શેખનું મોત નિપજ્યું હતું. રૂસ્તમે પારિવારિક ઝઘડા બાદ જમીનથી 3 ફૂટ ઊંચા બોરમાં કૂદકો માર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.મોડી રાત્રે 3:30 વાગ્યા સુધી ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, યુવકે આપઘાત કર્યો કે પછી અકસ્માતે પડ્યો તે અંગેનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.
શનિવારે તારીખ 6 ડિસેમ્બરે સાંજે યુવકનું બોરમાં પડી જવાની ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ શ્રમિકો ભેગા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી શ્રમિકને બહાર કાઢવાની જહેમત હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે, યુવકને જીવતો બહાર કાઢી શકાયો નહોતો. રાતના લગભગ 3:30 વાગ્યા સુધી બચાવ કામગીરી શરૂ હતી. પરંતુ, જ્યાં સુધી યુવકને બહાર કાઢવામાં આવ્યો ત્યાં સુધીમાં તેણે જીવ ગુમાવી દીધો હતો.