Connect Gujarat
ગુજરાત

બોટાદ : ચંદરવા માઈનોર કેનાલમાં ખેડૂતોએ કચરો સળગાવી નોંધાવ્યો વિરોધ, પાણી વિના પાક નિષ્ફળ જવાની ભીતિ

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોને ચંદરવા માઈનોર કેનાલમાંથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે.

X

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોને ચંદરવા માઈનોર કેનાલમાંથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે ખેડૂતોએ પાણી વિના સુકાયેલી કેનાલમાં કચરો સળગાવી અનોખી રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ, જાળીલા, વાવડી, ગોધાવટા અને ચંદરવા સહિતના આસપાસના ગામોના ખેડૂતો નર્મદા સિંચાઈ વિભાગની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યાં પાણી વિના સુકાયેલી કેનાલમાં કચરો સળગાવી અધિકારીઓમાં સદ્બુદ્ધિ આવે તે માટે યજ્ઞ કર્યો હતો. છેલ્લા 3 વર્ષથી ખેડૂતો દ્વારા કરાતી રજૂઆતો છત્તાં કોઈ નક્કર કામગીરી નહીં કરાતા પાક નિષ્ફળ જવાની અણીએ આવી ગયો છે. જો, કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો મહા મહેનતે તૈયાર કરાયેલ ઘઉં, ચણા, વરિયાળી સહિતના શિયાળુ પાકો સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

રાણપુર તાલુકાના બગડ સહિત આસપાસના ગામોમાંથી પસાર થતી લીંબડી બ્રાંચ કેનાલની ચંદરવા માઈનોર કેનાલનું કામ બોગસ અને જર્જરીત થયું હોવાના આક્ષેપ સાથે ખેડૂતો ભેગા થયા હતા. કેનાલમાં જામેલા બાવળ, ઝાડી-ઝાંખરા, કચરો તેમજ પડેલા ગાબડાંના સમારકામ અંગે વર્ષોથી રજૂઆત કરાય છે. તેમ છત્તાં પણ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી. હાલમાં ખેડૂતોના વાવેતર કરાયેલા શિયાળુ પાક મહા મહેનતે તૈયાર થયા છે. જે પાકોને આગામી 5થી 7 દિવસમાં જો પાણી પિયત કરવામાં ન આવે તો તે સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઇ રહી છે, ત્યારે આક્રોશ સાથે ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે જ ઉનાળા પહેલા સમગ્ર કેનાલનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Next Story