સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદના કારણે 2 માનવ મૃત્યુ અને આકાશી વીજળી પડવાના લીધે 13 પશુઓના મૃત્યુ થયા છે.
તો બીજી તરફ, વરસાદ બંધ થયા બાદ જિલ્લાના કૃષિ વિભાગ દ્વારા ખેતીવાડીમાં થયેલા નુકસાન અંગેનો સર્વે કરવામાં આવશે, ત્યારે ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અને કામગીરીની સમીક્ષા કરવા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પહોચ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે જિલ્લાની મુલાકાતે પહોચ્યા હતા. ભારે વરસાદના પગલે સર્જાયેલ સ્થિતિ અને રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરવા હેતુ મંત્રીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ મંત્રી રાઘવજી પટેલે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના અનુસંધાને જિલ્લામાં થયેલી કામગીરી અંગેની વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં 2 માનવ મૃત્યુ અને આકાશી વીજળી પડવાના લીધે 13 પશુઓના મૃત્યુ થયા છે. સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં કુલ 86 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓમાંથી મોટાભાગના રસ્તાઓ પાણી ઉતર્યા બાદ ફરીથી શરૂ કરવામાં આવશે. વરસાદના કારણે જિલ્લામાં 380 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પરંતુ પાણીનો પ્રવાહ અને વરસાદનું પ્રમાણ ઓછું થતાં સ્થળાંતરીત કરાયેલા તમામ લોકોને પોતાના નિવાસસ્થાને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.