વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સજ્જ બન્યું
બોડેલીને જોડતા મહત્વના બ્રિજની તપાસ હાથ ધરાય
મેરિયા-ઓરસંગ બ્રિજ પર ભારદારી વાહનોની પ્રવેશબંધી
છોટાઉદેપુર જતી એસટી. બસ બોડેલી ડેપોમાં રોકાય
એસટી. બસમાં મુસાફરી કરતા અનેક મુસાફરોને હાલાકી
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલીને નજીક મેરિયા-ઓરસંગ બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર બંધ કરાય છે. તેવામાં એસટી. બસમાં મુસાફરી કરતા મુસાફરોની હાલત કફોડી બની છે. છોટાઉદેપુર જતી એસટી. બસ અચાનક બોડેલી ડેપોમાં રોકી રૂટ બંધ કરી દેવાતા મુસાફરો અટવાયા હતા.
વડોદરામાં સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. બોડેલી તાલુકાને જોડતા મહત્વના તમામ બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે લોકોની સલામતી અને સુરક્ષા તેમજ સાવચેતીના ભાગરૂપે મેરિયા અને ઓરસંગ બ્રિજ પર ભારદારી વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેવામાં એસટી. બસમાં મુસાફરી કરતા મુસાફરોની પણ હાલત કફોડી બની છે. ગત રવિવારે રાત્રીના સમયે છોટાઉદેપુર જતી એસટી. બસ અચાનક બોડેલી એસટી. ડેપોમાં રોકી રૂટ બંધ કરી દેવાતા અનેક મુસાફરો અટવાય પડ્યા હતા. તો બીજી તરફ, સોમવારના રોજ શાળા અને કોલેજ જતાં વિદ્યાર્થીઓ તેમજ વડોદરા અને બોડલી અવર જવર કરતા નોકરિયાતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નાછૂટકે મુસાફરોએ ખાનગી વાહનનો સહારો લીધો હતો, જ્યારે બહારથી આવતા લોકો હવે નાના વાહનોમાં મુસાફરી કરવા મજબુર બન્યા છે.