છોટાઉદેપુર જિલ્લામાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કવાંટ તાલુકામાં લૂંટના ઇરાદે દંપતિની હત્યાની ઘટના સામે આવી છે. તો બીજી તરફ, સંખેડા તાલુકામાં પૈસા વાપરવા કેમ નથી આપતા તેમ કહી પુત્રએ પિતાની હત્યા કરી નાખી હતી.
મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદા ગામે રહેતા ગનજીભાઈ ચીમનભાઈ અને તેમના પત્ની ચિમતીબેન રાત્રે ઘરે સૂતા હતા, ત્યારે લૂંટના ઇરાદે આવેલા લૂંટારાઓએ તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ ગનજીભાઈને ગળાના પાછળના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ નજીકમાં સૂઈ રહેલા ચિમતિબેનને પણ તીક્ષ્ણ હથિયાર વડે માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. હચમચાવનારી વાત તો એ છે કે, લૂંટારુઓએ મૃતક ચિમતિબેનના બન્ને પગ કાપીને પગમાં પહેરેલ કડાની લૂંટ ચલાવીને ભાગી ગયા હતા, જ્યારે હત્યાનો અન્ય એક બનાવ સંખેડા તાલુકામાંથી સામે આવ્યો છે. સંખેડા તાલુકાના નવાપુરા વિસ્તારમાં આવેલ નવી નગરીમાં પુત્ર નરેશ તડવીનો તેના પિતા પ્રવીણ તડવી સાથે ઝગડો થયો હતો. આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પુત્ર નરેશે લાકડાના હાથાવાળી કોદાળી લઇ તેના પિતાને કહ્યું કે, “તમે મને પૈસા કેમ આપતા નથી, આજે હું તમને જીવતા નહીં છોડું” તેમ કહી આવેશમાં આવી જઈ 3થી 4 ઘા મારી પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમગ્ર મામલે પોલીસે આરોપી પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, છોટાઉદેપુર જિલ્લામાં હત્યાના 2 બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.