Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : કવાંટના જંગલોમાંથી ત્રાટકે છે આફત, ખેડુતોની દિવસ- રાત ખેતરોમાં દોડધામ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના જંગલ વિસ્તારોમાં ખેતી કરતાં ખેડૂતો માટે જંગલી ભૂંડ દુશ્મન બન્યા છે.

X

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ખેડુતો જંગલી ભુંડોના ત્રાસથી પરેશાન છે ત્યારે ગરીબ ખેડુતોએ તેમના ખેતરને ફેન્સિંગ કરવા માટે અન્ય ખેડુતોની જેમ સરકાર તરફથી સહાય આપવામાં આવે તેવી માંગણી કરી છે.....

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના જંગલ વિસ્તારોમાં ખેતી કરતાં ખેડૂતો માટે જંગલી ભૂંડ દુશ્મન બન્યા છે. વરસાદના અભાવે જયાં ખેડુતોની સીઝન નિષ્ફળ જવાની સંભાવના છે તેવામાં ભુંડોના ત્રાસથી ખેડુતો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. જંગલોમાંથી આવી જતાં ભુંડના ટોળે ટોળા ખેતરોમાં તૈયાર થયેલાં પાકનું ભેલાણ કરી નાંખે છે. ડુંગરાળ વિસ્તારમાં ખેડુતો મગફળી અને મકાઇની ખેતી કરી રહયાં છે. પાકને ભુંડોથી બચાવવા માટે ખેડુતો તથા તેમના પરિવારને આખો દિવસ અને આખી રાત ખેતરમાં દોડધામ કરવી પડી રહી છે.

આદિવાસી ખેડુતો એક સીઝનની ખેતી કરી વર્ષના અન્ય દિવસો અન્ય શહેરોમાં મજુરીકામ માટે જતાં રહે છે. છેલ્લા ઘણા સમયથી ભુંડોના વધેલા ત્રાસથી તેઓ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. સરકાર 12 એકરથી વધારે જમીન હોય તેવા ખેડુતોને ખેતરના ફેન્સિંગ માટે આર્થિક સહાય આપે છે પણ જેમની પાસે 12 એકરથી ઓછી જમીન છે તેવા ખેડુતો લાચાર બની ગયાં છે. ખેતરોમાં કરેલી મહેનતને ભુંડો પળવારમાં ભેલાણ કરી નાંખે છે.

ખેડુત એટલે ખેડુત પછી એ ગમે તે વિસ્તારનો હોય અને તેની પાસે કેટલી જમીન છે તે સરકારનું પ્રાધાન્ય ન હોવું જોઇએ. અહીંના ખેડુતોનું કહેવું છે કે જેમની પાસે વધારે જમીન છે તેવા ખેડુતો સરકારની સહાયથી ફેન્સિંગ લગાવી દે છે પણ ગરીબ ખેડુતો ભુંડો સામે લાચાર બની ગયાં છે. સરકારે આવા ખેડુતોનો પણ વિચાર કરી તેમને સહાય આપવી જોઇએ.

Next Story