છોટાઉદેપુર : બોડેલી સહિતના વિસ્તારોમાં MGVCLની ઘોર બેદરકારી, જુઓ સ્થાનિકોએ કેવો કર્યો આક્ષેપ..!
બોડેલી MGVCLના હદ વિસ્તારમાં આવેલ અલીખેરવા, ઢોકલીયા, ચાચક અને બોડેલી પંથકના લોકો MGVCLનો ગંભીર બેદરકારીના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી MGVCLની ઘોર બેદરકારી સામે આવી છે. બોડેલી MGVCLના હદ વિસ્તારમાં આવેલ વિવિધ વિસ્તારોમાં જીવેલેણ કહી શકાય તેવા જર્જરિત વીજપોલ, વીજ ટ્રાન્સફોર્મર અને ખુલ્લા વીજ વાયરો રહેણાંક મકાન પાસેથી પસાર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
બોડેલી MGVCLના હદ વિસ્તારમાં આવેલ અલીખેરવા, ઢોકલીયા, ચાચક અને બોડેલી પંથકના લોકો MGVCLનો ગંભીર બેદરકારીના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. MGVCL કચેરીની પાછળ આવેલ અલીખેરવાનો ફતેનગરનો વિસ્તાર કે, જ્યાં ચારો તરફ વીજ વાયરોના થાંભલા તેમજ ખુલ્લા વીજ વાયરો જોવા મળે છે. એક, બે, નહીં ત્રણ ત્રણ હાઈ ટેન્શન લાઈનો આ વિસ્તારમાંથી પસાર કરવામાં આવી છે. હાઇ ટેન્શન વાયર જે મકાન પરથી પસાર થાય છે, તેની નીચેના મકાન માલિક માટે આ વીજ વાયરો માથાના દુ:ખાવા સમાન બન્યા છે. મકાનની ઉપર જઇ પણ નથી શકાતું. કે, મકાનની ઉપર બીજો માળ પણ લઈ શકાતો નથી.
હવે આપ જોઈ રહ્યા છે, બોડેલી તાલુકાના અલીખેરવામાં આવેલ રામનગરના દ્રશ્યો કે, જ્યાં વર્ષો પહેલાના વીજપોલ જર્જરિત હાલતમાં આવી ગયા છે. વીજપોલમાં તિરાડો પડી ગઈ છે, જે ક્યારે પણ આ વીજપોલ પડી શકે તેમ છે. જે વીજપોલમાં તિરાડો પડી છે, તેને વીજકર્મીઓ મકાન સાથે બાંધી સંતોષ માની લે છે. તો કેટલાક વીજપોલની તિરાડોમાં સિમેન્ટ મારી સમારકામ કરવામાં આવ્યું છે. જો આગામી આગામી ચોમાસા પહેલા આ મામલે યોગ્ય નિકાલ નહીં લાવવામાં આવે તો મોટો અકસ્માત સર્જવાની શક્યતા રહી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યુ હતું.
તો બીજી તરફ બોડેલીની અમન પાર્ક સોસાઇટીમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરને કોર્ડન કરવાની કાળજી પણ MGVCLએ લીધી નથી. આ વિસ્તારમાં વારંવાર વીજ ફોલ્ટ પણ થતાં રહે છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જોકે, આ મામલે વાયરમેનને પૂછતાં જણાવ્યુ હતું કે, આ વિસ્તારના જે હેલ્પરો છે, તે ઉપરી અધિકારીને જાણ કરે તો રીપેર કરી દેવામાં આવે છે. ખુલ્લા વીજ વાયરો વિષે પણ વાયરમેને કહ્યું હતું કે, આ વાયરો જોખમી છે, પણ ઊંચાઈ પર છે. તેથી કોઈ નુકશાન નહીં થાય તેવો જવાબ આપી લૂલો બચાવ કર્યો હતો.