-
જવેલર્સ રૂ.20 લાખની થેલી ભૂલી જવાનો મામલો
-
પાનની દુકાને જવેલર્સ રૂપિયા ભરેલી થેલી ભૂલી ગયો હતો
-
દુકાનના સંચાલક રૂપિયા ઘરે લઇ જતા સલવાયો
-
પોલીસ ફરિયાદ બાદ થયું દૂધનું દૂધ પાણીનું પાણી
-
પોલીસે રૂ.20 લાખ સાથે પાનની દુકાનના સંચાલકની કરી ધરપકડ
દાહોદમાં પાનની દુકાન ઉપર જવેલર્સ 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી ભૂલી ગયો હતો,જોકે પાનની દુકાનના સંચાલકે ઇરાદાપૂર્વક આ થેલી ઘરે લઇ જઈને તિજોરીમાં મૂકી દીધી હતી,મામલો પોલીસ મથકે પહોંચતા LCB પોલીસે 20 લાખ રૂપિયા સાથે પાનની દુકાનના સંચાલકની ધરપકડ કરી હતી.
દાહોદના એમજી રોડ ઉપર નંદન જ્વેલર્સ નામની દુકાનમાં કામ કરતા સારવ શાહ ગત તારીખ 11 જાન્યુઆરી શનિવારના રોજ 20 લાખ રૂપિયા રોકડા સોમવારના દિવસે બેંકમાં ભરવાના હોવાથી તેઓ સાંજના સમયે ઘરે લઈ જવા માટે નીકળ્યા હતા,અને જૂની કોર્ટ રોડ ઉપર આવેલી કોહિનૂર પાનની દુકાન ઉપર પાન મસાલો ખાવા ઉભા થયા ત્યારે તેમના હાથમાં નંદન જ્વેલર્સ નામની થેલીમાં 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી પાનની દુકાન ઉપર મુકી હતી,અને ફરિયાદી સારવ શાહ 20 લાખ રૂપિયા ભરેલી થેલી પાનની દુકાન ઉપર મૂકીને ભૂલીને ઘરે જવા નીકળી ગયા હતા.
જ્યારે ઘરે ગયા ત્યારે તેમની પાસે રહેલી 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી જોવા ન મળતા તેઓએ તપાસ આદરી હતી અને કોહિનૂર પાનની દુકાન ઉપર જઈને પૂછતાછ કરતા પાનની દુકાનના સંચાલક સલાઉદ્દીન નસરુદ્દીન મલેક દ્વારા થેલી જોઈ ન હોવાનું જણાવ્યું હતું,જોકે ત્યારે બાદ સારવ શાહે A ડિવિઝન પોલીસ મથકમાં 20 લાખ રૂપિયા રોકડા ચોરાયા હોવાની ફરિયાદ આપી હતી.જ્યારે આ કેસની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાએ LCB પોલીસને તપાસના આદેશ આપ્યા હતા,અને LCB પોલીસની અલગ અલગ ટીમોએ નેત્રમના CCTV કેમેરા તથા ખાનગી કેમેરાઓ ખંગોળવાની તપાસ શરૂ કરી હતી.
જેમાં એમ જી રોડથી લઈને જૂની કોર્ટ રોડ ઉપર આવેલી કોહિનૂર પાનની દુકાન સુધીના કેમેરા જોતા પોલીસને પાનની દુકાનના માલિક સલાઉદ્દીન નસરુદ્દીન મલેક ઉપર શંકા જતા તેઓને LCB પોલીસ મથકે પુછપરછ અંગે લવાયા હતા.જ્યાં પોલીસની પૂછપરછ દરમિયાન પાનની દુકાનનો માલિક ભાંગી પડ્યો હતો,અને 20 લાખ રૂપિયાની થેલી પોતાના ઘરે તિજોરીમાં મૂકી દીધી હોવાની કબૂલાત કરી હતી.અને પોલીસે રૂપિયા 20 લાખ રિકવર કરીને આરોપી સલાઉદ્દીન નસરુદ્દીન મલેકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.