ઇન્દોરથી અમદાવાદ તરફ જતી લક્ઝરી બસ પલટી
લક્ઝરી રિવર્સ લેતી વખતે પાછળથી ટ્રકે ટક્કર મારી
દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત, 17 મુસાફર ઇજાગ્રસ્ત
કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું
દાહોદ પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી
દાહોદ જિલ્લાના જાલત ગામ નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 17 ઇજાગ્રસ્તો થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દાહોદ નજીકથી પસાર થતાં અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસ દાહોદના જાલત ગામ પાસે આવેલી અવંતિકા હોટલ પાસેથી ટર્ન લઈ રહી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે અચાનક ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, બસ પલટી મારી રોડ પર ઘસડાય ગઈ હતી. અકસ્માત સમયે બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. ટ્રકની ટક્કરથી બસના એક ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટનામાં બસમાં સવાર એક મુસાફરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અંદાજે 17 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં લોકો મદદે દોડી આવ્યા હતા, જ્યાં ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારબાદ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે દાહોદ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રક અને બસને રસ્તા પરથી દૂર કરી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બસ ટર્ન લેતી વખતે પાછળથી ટ્રક ચાલકની બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.