આદિવાસી ખેડૂતોનો નવા હાઈવેના નિર્માણનો વિરોધ
ખેડૂતોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર
માછણનાળા ડેમમાં જમીનના વળતરથી ખેડૂતો છે વંચિત
સુવિધાઓ અને વળતરથી વંચિત ખેડૂતોમાં તંત્ર સામે આક્રોશ
ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દસ ગામોના ખેડૂતો દ્વારા નવા હાઇવે નિર્માણની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને પોતાના વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત કરીને યોગ્ય ન્યાયની માંગણી કરી હતી.
દાહોદ જિલ્લામાં ખેડુત આદિવાસીઓએ નવા હાઇવેના નિર્માણનો વિરોધ કર્યો હતો.ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈને તંત્ર દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો.પ્રાંત અધિકારીને આ અંગે આવેદનપત્ર પાઠવીને પોતાના પડતર પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે ન્યાયની માંગણી કરી હતી.જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે ઝાલોદ તાલુકામાંથી ઠુઠી કંકાસિયાથી રાજસ્થાનના કુશલગઢ હાઇવેના સર્વેનો વિરોધ નોંધાવ્યો હતો.તેમજ 50 વર્ષ પૂર્વે માછણનાળા ડેમમાં જમીન જવાથી જમીનનું વળતર કે જમીન ન અપાઈ હોવાનો આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો હતો.જ્યારે કાળી 2 ડેમ જળાશય યોજનામાં 9 ગામોના ખેડૂતોની જમીન ડેમમાં ગઈ છે પરંતુ જમીન કે વળતર આજદિન સુધી આપવામાં આવ્યું નહોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.ખેડૂતોએ દિલ્હી મુંબઈ કોરીડોર હાઈવેમાં 14 ગામોના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી હોવા છતાંય મૂળભૂત સુવિધાઓ અને વળતર આપવામાં આવ્યું નહોવાના આક્ષેપ પણ કર્યા હતા.
આ ઉપરાંત ચાકલીયા વિસ્તારમાં 570 એકર જમીન ખેડૂતોની છીનવી લઈ GIDC બનાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો પણ આદિવાસી ખેડૂતે કર્યા હતા.આદિવાસી ખેડૂતોએ જણાવ્યું હતું કે વહેલી તકે જો તેમના પ્રશ્નોને યોગ્ય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.