Connect Gujarat
ગુજરાત

દાહોદ : વર્ષો જૂની પરંપરા યથાવત રાખતો આદિવાસી સમાજ, પારંપારીક "ઢોલ મેળો" યોજાયો...

હોળી-ધુળેટી પર્વની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા ખાતે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરાને ઉજાગર કરતાં એવા ઢોલ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

X

હોળી-ધુળેટી પર્વની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા ખાતે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરાને ઉજાગર કરતાં એવા ઢોલ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, અને આ જિલ્લાનો આદિવાસી સમાજ દરેક તહેવારોને પારંપારીક રીતે ઉજવતો આવ્યો છે. પરંતુ કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષોથી તહેવારોમાં ઉજવાતી પરંપરાઓ બંધ હતી, ત્યારે હાલમાં સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનના કેટલાક નિયંત્રણોને હળવા કરાયા છે. તેવામાં દાહોદ જિલ્લાનો આદિવાસી સમાજ વર્ષો જૂની પરંપરાઓ ઉજવવા માટે ફરીથી થનગનાટ કરી રહ્યો છે. હોળીના પ્રિય એવા તહેવારને ઉજવવા માટે દૂર દૂર સુધી મજૂરી કામ અર્થે ગયેલો આદિવાસી સમાજ હોળી-ધુળેટીનો પારંપારીક પર્વ ઉજવવા માટે પોતાના જન્મભૂમિ સ્થળ ઉપર આવી જતો હોઈ છે, ત્યારે દાહોદ ભીલ સુધારણા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઢોલ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર દાહોદ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી આદિવાસી સમાજના લોકો પરંપરાગત ઢોલ, થાળી અને ઘૂઘરા સહિતના વાજીંત્રો વગાડતાં વગાડતા દાહોદના કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભેગા થાય છે, ત્યારે આદિવાસી લોકો ઢોલ, થાળી, ઘૂઘરા સાથે મેદાનના ગોળ ફેરા મારી નૃત્ય કરતાં નજરે પડતા હોય છે. આ ઢોલ મેળાનો ઉદેશ્ય જોવા જઈએ તો, આજના ડિજિટલ યુગમાં ઉત્સવો મનાવવા માટે લોકો ડીજે સહિતના સાઉન્ડ સિસ્ટમ ઉપર વધુ નિર્ભર રહેતા હોય છે. જોકે, વર્ષો જૂની પરંપરા ધીરે ધીરે લુપ્ત થતી હોવાના કારણે આદિવાસી સંસ્કૃતિમાં નૃત્ય અને ઢોલની પરંપરાને લુપ્ત થતી બચાવવાં પ્રયાસો હાથ ધરવામાં આવે છે, ત્યારે આદિવાસી સમાજમાં દાખલો બેસાડવા સાથે જ તેમની નૃત્ય અને ઢોલની પરંપરાને બચાવવા માટે આ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, દંડક રમેશ કટારા, ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહી ઢોલ મેળાનો આનંદ ઉઠાવ્યો હતો.

Next Story