Connect Gujarat
ગુજરાત

ડાંગ : રોજગારી માટે મોટા માળુંગાથી મહારાષ્ટ્ર ગયેલા 14 બંધક શ્રમિકોને મળી મુક્તિ, પરિવારમાં ખુશીનો માહોલ...

માનવતા ભૂલેલા શ્રીમંત ખેડૂતે મજૂરોને તેમનું મહેનતાણું તો ન જ આપ્યું પણ તેમને મુક્ત કરવા માટે ઉપરથી રૂપિયા 2 લાખની માંગણી કરી હતી

X

ડાંગ જિલ્લાના મોટા માળુંગા ગામથી રોજગારી માટે મહારાષ્ટ્ર ગયેલા 14 જેટલા શ્રમિકો બંધક બન્યા હતા, ત્યારે સ્થાનિક આગેવાન દ્વારા તમામ બંધકોને હેમખેમ સુરક્ષિત ઘરે લાવવામાં આવતા પરિવારમાં ખુશીનો પાર રહ્યો ન હતો. મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લાના મોટા માળુંગા ગામના આદિવાસી શ્રમિકોને કામ આપવાનું કહીને લેબર કોન્ટ્રાક્ટર મહારાષ્ટ્રના બારામતી નજીક લઈ ગયો હતો, જ્યાં છેલ્લા 3 માસથી પણ વધુ સમય સુધી આ શ્રમિકોનું શોષણ કરવામાં આવ્યું હતું.

એટલું જ નહીં, મજૂરીના પૈસા ન આપી તેમને ધમકાવીને બંધક બનાવી કામ કરાવવામાં આવતું હતું, ત્યારે સમગ્ર ઘટનાની જાણ ડાંગ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ ચંદર ગાવીતને થતા તેઓએ પોતાના ભાઈ નગીન ગાવીત અને મજૂર સંઘના સચિવ જયેશ ગામીતને 500 કિલોમીટર દૂર બંધક શ્રમિકોને છોડાવાવા માટે મોકલ્યા હતા.

જોકે, માનવતા ભૂલેલા શ્રીમંત ખેડૂતે મજૂરોને તેમનું મહેનતાણું તો ન જ આપ્યું પણ તેમને મુક્ત કરવા માટે ઉપરથી રૂપિયા 2 લાખની માંગણી કરી હતી. પોતાના વિસ્તારના શ્રમિકોને છોડાવાવા માટે ચંદર ગાવિતે ખેડૂતના એકાઉન્ટમાં રૂપિયા 2 લાખ ટ્રાન્સફર કરી તમામ બંધક શ્રમિકોને બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા. જોકે, તમામ 14 શ્રમિકોનું 3 માસ બાદ પોતાના પરિવાર સાથે મિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ શ્રમિકોના ખબર અંતર પૂછવા સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક વિજય પટેલ મોટા માળુંગા ગામે પહોંચી પરિવાર સાથે વાત કરી હતી.

Next Story