Connect Gujarat
ગુજરાત

ડાંગ : અનેક ગામોને જોડતો કોઝવે, પુલ, ખેતરો પર પૂરના પાણી ફરી વળતા ભારે તારાજી સર્જાઈ,ખેડૂતોને વ્યાપક નુકશાન

પૂર્ણા નદીના ઉગમસ્થાન વિસ્તારના કેચમેન્ટ એરિયામા આવતા અનેક ગામો પર મહાવીનાશક મહાપૂરના પાણી ફરી વળતાં જનમાલને નુકશાની થઈ હતી

X

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના પૂર્ણા નદીના ઉગમસ્થાન કેચમેન્ટ એરિયામાં આવેલ અનેક ગામોને જોડતા કોઝવે, પુલ, ખેતરો પર પૂરના પાણી ફરી વળતા બારે તારાજી સર્જાઈ છે. ડાંગ જિલ્લામાં ચારેક દિવસ પહેલા જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ હતી. લોકમાતા પૂર્ણા નદીના ઉગમસ્થાન વિસ્તારના કેચમેન્ટ એરિયામા આવતા અનેક ગામો પર મહાવીનાશક મહાપૂરના પાણી ફરી વળતા કોઝવે, ચેકડેમ, પશુધન, સહીત માનવ મૃત્યુના ભયાનક બનાવો બન્યા છે.

ખાંભલાથી બિલબારી અને જોગઠવા થી પીપલદહાડને કોઝવે સંપૂર્ણ રીતે ધોવાય જતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઈ જવા પામ્યો છે. સુબીર તાલુકાના પીપળાઇદેવ થી વણઝારઘોડી વચ્ચે, સાડદવિહિર થી ગારખડી જોડતો, અને બીજુરપાડાથી ચિંચવિહીર જોડતા કોઝવે પર પૂરથી ભારે નુકસાન થતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. સાદડવિહિર ગામે રામુભાઇ પટેલ, સુરેશભાઈ, તેમજ મહારુભાઈ ની જમીન માં વ્યાપક ધોવાણ થતા ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હતું.પૂર્વમાંથી ઉગમ પામતી પૂર્ણા નદી ઉત્તર સુધીના કેચમેન્ટ એરિયાના અનેક ગામોને ધમરોલી નાખતા સદીની સૌથી મોટી રેલ હોનારત તરીકે લોકો ઓળખાવી રહ્યા છે.

વિસ્તારના આદિવાસી ખેડૂતો આપવીતી કહેતા જણાવ્યું હતું કે પૂર્ણા નદીના કિનારે બાળપણ વીત્યું પણ એવું ભયંકર પૂર આવ્યું નહતું, પૂર્ણા નદી ગાંડીતૂર બની નદી કિનારે આવેલ ખેતર, નાળા, કોઝવે, સહિત ઘર, વીજ પોલ સહિત પશુધન, બધું પોતાના ધસમસતા પ્રવાહમાં સમાવી વિનાશ વેરતી ગઈ હતી.

સુબીર તાલુકામાં થયેલ વિનાશક પૂર્ણા નદી હોનારત થી ભારે તારાજીથી વહીવટી તંત્રએ રાહત કામગીરી હાથ ધરી હતી. તેમજ અસરગ્રસ્તોને સહાય આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે સુબીર તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલે જણાવ્યું હતું કે સુબીર તાલુકામાં પસાર થતી પૂર્ણા નદી એ ભારે નુકસાન પહોંચાડ્યું છે,અનેક કોઝવે, નાળા, અને ખેતરો સહિત પશુધન, અને માનવ જાન માલનુ નુકશાન થયું છે, ડેમેજ થયેલ કોઝવેમા ટેમ્પરરી મરામત કરી દેવાયું છે, તેમજ ખેતરોનું નુકસાની માટે સર્વે હાથ ધરવામાં આવ્યું છે.

Next Story