ડાંગ : ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક યોજાય

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન ઉપર ભાર મૂકતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલે પોતાના એમ.પી. ફંડમાંથી રૂ. ૪૦ લાખ ડાંગ જિલ્લાના ઑક્સીજન પ્લાન્ટ માટે ફાળવીને, રસીકરણ બાબતે ઘરે ઘર સુધી સાચી સમજણ પહોંચાડી, 100 ટકા વેક્સિનેશન જ કોરોના સામે પ્રજાજનોને રક્ષણ આપી શકશે તેમ સ્પસ્ટપણે જણાવ્યુ હતું.
આહવા ખાતે ડાંગ જિલ્લાની ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકને સંબોધતા ડો. કે.સી.પટેલે ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં રસીકરણ બાબતે પ્રવર્તતી ગેરમાન્યતાઓ સામે તેમને સાચી સમજ આપવા માટે અધિકારી, પદાધિકારીઓને ઘરે ઘર સુધી પહોંચીને રસીકરણ ઝુંબેશને તેના મુકામ સુધી પહોંચાડવાની હાંકલ કરી હતી. કેન્દ્રીય પુરસ્કૃત વિવિધ યોજનાઓની ફાળવેલી ગ્રાન્ટ સામે મંજુર કરાયેલા કામો સમય મર્યાદામા પૂર્ણ કરવાની સુચના આપતા ડાંગ જેવા દુર્ગમ પહાડી પ્રદેશમા સંદેશ વ્યવહારની સુવિધાઓ અસરકારક રીતે વધારવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટ સત્વરે કાર્યાન્વિત કરવાની પણ સુચના આપી હતી.
સમગ્ર બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિત તથા ધારાસભ્ય વિજય પટેલે વિકાસ યોજનાઓના લાભાર્થીઓને સમયસર યોજનાકીય લાભો પહોચાડવાની વિવિધ અમલીકરણ અધિકારીઓને અપીલ કરી હતી. આ દરમિયાન કલેકટર ભાવિન પંડ્યાએ આગામી તા. ૧૦મી જુલાઈ સુધી ડાંગ જિલ્લાના તમામે તમામ વેપારી મહાજનોને હાલમાં ઉપલબ્ધ વિનામૂલ્યે રસીનો ડોઝ ફરજીયાતપણે લઈ લેવાની હિમાયત કરી હતી. બેઠકની કાર્યવાહી સંભાળતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.બી.ચૌધરીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જુદા જુદા વિભાગોની મુદ્દાવાર છણાવટ હાથ ધરી હતી.
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાય યોજના, મિશન જળશક્તિ અભિયાન, નદીઓને પુનઃ જીવિત કરવાનો પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, વિવિધ વીજ યોજનાઓ, આરોગ્યલક્ષી યોજનાઓ, સમગ્ર શિક્ષા યોજના, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, આંગણવાડી કેન્દ્રની યોજનાઓ, મધ્યાહ્ન ભોજન યોજના, દીનદયાળ અંત્યોદય યોજના, ઈ-ગ્રામ સેન્ટરની સેવાઓ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ-૨૦૦૫, એન.આર.એલ.એમ. યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), સંદેશ વ્યવહારની સેવાઓ સહીત પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના વિગેરેની વિસ્તૃત સમીક્ષા હાધ ધરવામાં આવી હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી દિશાની આ બેઠકમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન સહીત સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો, પદાધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, અધિક નિવાસી કલેકટર તેરસિંહ ડામોર, પ્રાયોજના વહીવટદાર કે.જિ.ભગોરા, સબ ડીએફઓ રોહિત ચૌધરી સહીત અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.